ભાદરા ગામના કાકા-ભત્રીજા સગાઈમાં હાજરી આપવા આવતા ત્યાં રસ્તામાં કાળ ભેટ્યોટંકારા : ટંકારાના બંગાવડી નજીક આજે સ્કોર્પિયો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર કાકા-ભત્રીજાનું મોત નીપજ્યું હતું. આ મામલે ટંકારા પોલીસે સ્કોર્પિયો ચાલક સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.જોડિયાના ભાદરા ગામે રહેતા સુરેશભાઈ નાગજીભાઈ પરમારએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે આજ રોજ તેઓના કુટુંબી ભાઈ પરષોતમભાઈ પરમાર અને પિતા નાગજીભાઈ બંને બાઈક જીજે ૧૦ ડીએફ ૩૮૨૭ લઈને કુટુંબી સગા ટંકારા રહેતા હોય તેના ઘરે સગાઇ પ્રસંગમાં હાજરી આપવા ટંકારા જવા નીકળ્યા હતા. બાઈક તેમના પિતા નાગજીભાઈ ચલાવતા હતા અને બંગાવડી ગામ નજીક પહોંચતા સ્કોર્પીઓ કાર જીજે 36 એસી 2360 ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. બાઈકને ઠોકર મારતા બાઈક સવાર ફરિયાદીના પિતા નાગજીભાઈ પરમાર અને કુટુંબી ભાઈ પરષોતમભાઈ પરમાર બંનેને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જાયા બાદ કાર પણ પલટી ખાઈ ગઈ હતી. જ્યારે કાર ચાલક નાસી ગયા હતા. આ ફરિયાદને આધારે ટંકારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.