પાલિકાના સફાઈ કર્મીઓ સફાઈ કરવામાં વેઠ ઉતરતા હોવાથી અંદાજે દોઢથી બે ટ્રેકટર ભરાય તેટલી ધૂળ હોવાથી વેપારીઓને સીરામીકના માટી ખાતામાં બેઠા હોય તેવો અહેસાસ મોરબી : મોરબી શહેરમાં સફાઈના નામે નરી વેઠ જ ઉતારાતી હોવાથી બજારોમાં ઠેરઠેર ધૂળના ગંજ જમ્યા છે. જેમાં મોરબીના મુખ્ય બજાર વિસ્તાર તખ્તસિહજી રોડ ઉપર ધૂળના ગંજ જામતા વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. હાલ દિવાળીના તહેવારોનો સમય હોય લોકો આ બજાર વિસ્તારમાં ખરીદી માટે આવતા હોય પણ સતત ઊડતી ધૂળને કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે.મોરબીના મુખ્ય બજાર વિસ્તાર તખ્તસિહજી રોડ ઉપર ખાસ કરીને રેડીમેન્ટ ગારમેન્ટ સહિતની વસ્તુઓની દુકાનો ધરાવતા વેપારીઓ બળાપો ઠાલવતા કહે છે કે, તખ્તસિહજી રોડ મુખ્ય બજાર વિસ્તાર હોય બન્ને બાજુ કતારબંધ દુકાનો અને શોરૂમો આવેલા છે. પણ દુઃખની વાત એ છે કે, આ બજાર વિસ્તારમાં નગરપાલિકાના સફાઈ કર્મીઓ ક્યારેક જ સફાઈ કરવા આવે છે અને રેગ્યુલર સફાઈ થતી નથી. તેમજ આ સફાઈ કર્મીઓ અહીં માત્ર કાગળો સહિતનો જ સફાઈ કરે છે. ધૂળની સફાઈ કરતા નથી. આથી આ બજાર વિસ્તારમાં બન્ને બાજુએ પાંચ-સાત ફૂટ સુધી ધૂળના ગંજ જામી ગયા છે. જ્યાં વાહન રોડ ઉપર ચાલે છે એટલો જ ક્લીન ભાગ છે.આથી તખ્તસિહજી રોડ ઉપર નવા ડેલા રોડથી મવયુગ ગારમેન્ટ સુધી દોઢથી બે ટ્રેકટર ભરાય તેટલી ધૂળ જામી ગઈ છે.આથી સતત ધૂળ ઊડતી હોય વેપારીઓને એમ લાગે છે કે તેઓ બજારમાં નહિ પણ સીરામીક કારખાનાના માટીખાતામાં બેઠા હોય ! હાલ દિવાળીનો તહેવાર નજીક હોવાથી તંત્ર આ ધૂળની યોગ્ય સફાઈ કરે તેવી વેપારીઓએ માંગ ઉઠાવી છે.