ઇલેક્ટ્રિક લાઈનની કામગીરી પૂર્ણ થતાં બે દિવસથી ઇલેક્ટ્રિક આધારિત માલવાહક ટ્રેનો શરૂ કરાઇ મોરબી : મોરબીમાં રેલવે લાઇન ઉપર ઇલેક્ટ્રિક લાઇન થાંભલા નાખવાનું કામ પૂરું થતા ટેસ્ટિંગ માટે ઇલેક્ટ્રિક ટ્રેનો શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી ઇલેક્ટ્રિક આધારિત માલવાહક ટ્રેનો દોડાવવામાં આવી છે. જો કે, હજુ સુધી ઇલેક્ટ્રિક આધારિત પેસેન્જર ટ્રેનો શરૂ કરાઇ નથી.મોરબીમાં એકાદ વર્ષથી રેલવે લાઇન ઉપર ઇલેક્ટ્રિક લાઇન નાખવાનું કામ પૂરું થયું છે. બે વર્ષથી રેલવે લાઇન ઉપર ઇલેક્ટ્રિક લાઇન નાખવાનું કામ ચાલુ હતું. ત્યારે ઇલેક્ટ્રિક લાઇન નાખવાનું કામ પૂર્ણ થતાં થોડા સમય પહેલા ટેસ્ટિંગ માટે ટ્રેનો દોડાવવામાં આવી હતી અને બે દિવસથી ઇલેક્ટ્રિક પાવરથી માલવાહક ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ અંગે રેલવેના મેનેજર ધર્મન્દ્રકુમારના જણાવ્યા મુજબ ગત તા. 30 રોજ ઇલેક્ટ્રિક આધારિત માલવાહક ટ્રેનને મોરબીથી ટાઇલ્સ ભરીને ગુહાટી મોકલવામાં આવી હતી. તેમજ માળીયાના લવણપુરથી મીઠું ભરીને માલવાહક ટ્રેન ગઈકાલે રવાના થઈ હતી. મોરબી રેલવે દ્વારા હવે ડીઝલથી દોડતી ટ્રેનોને ઇલેક્ટ્રિક પાવરમાં કન્વર્ટ કરવામાં આવી છે. આથી ડીઝલની બચત થશે.પણ હજુ લોકલ કે લાંબા અંતરની પેસેન્જર ટ્રેનોને ઇલેક્ટ્રિકમાં કનવર્ટ કરાઈ નથી.