આયુર્વેદિક પ્રેક્ટિસ કરતા અમદાવાદના ડોક્ટર પાસેથી નાણાં ન નીકળે તો પરપ્રાંતિય ગેંગ ડોક્ટરને ઉઠાવી લેવાની હતી : વાંકાનેર સીટી પોલીસ અને એલસીબીનું ઓપરેશન વાંકાનેર : વાંકાનેર ખાતે પ્રેક્ટિસ કરતા આયુર્વેદિક ડોક્ટરને લૂંટવા આવેલી ખૂંખાર ગેંગ ગુન્હાને અંજામ આપે તે પહેલા જ વાંકાનેર સીટી પોલીસે મોરબી એલસીબી સાથે મળી સંયુક્ત ઓપરેશન કરી કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર સહિત આઠ શખ્સોને પિસ્તોલ, છરી અને બે સ્કોર્પિયો ગાડી સહીત રૂપિયા 25,52,400ના મુદામાલ સાથે ઝડપી લઈ ગુજરાત, ઉત્તરપ્રદેશ અને મુંબઈ મહારાષ્ટ્રના શખ્સોને દબોચી લઈ મોટો ગુન્હો બનતા અટકાવી અસરકારક કામગીરી કરી હતી.જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ શહેર વિસ્તારમાં ગઈકાલે પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ ટીમને બાતમી મળી હતી કે, ગુજરાત અને ગુજરાત બહારના ગુન્હેગારોની એક ટોળકી રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લામાં ગુન્હો આચરવા માટે ફરી રહી છે જે વાંકાનેરમાં પ્રેક્ટિસ કરતા મૂળ અમદાવાદના આયુર્વેદિક ડોક્ટરને લૂંટી લેવા બંદૂક, છરી સહિતના હથિયાર સાથે કાળા કલરની બે સ્કોર્પિયો ગાડીમાં આટાફેરા કરી રહી છે. ઉપરોક્ત બાતમી અંગે વાંકાનેર સીટી પોલીસ ટીમે મોરબી એલસીબી ટીમને પણ વાકેફ કરી આ ખૂંખાર ગેંગને ઝડપી લેવા પ્રયત્નો શરૂ કર્યા હતા દરમિયાન વાંકાનેર - રાજકોટ રોડ ઉપર ગોકુલનગર સોસાયટી સામે આ ગેંગ હોવાની માહિતી મળતા પોલીસે બે કાળા કલરની સ્કોર્પિયો કારને અટકાવી કોર્ડન કરી લેતા બન્ને સ્કોર્પિયો કારમાંથી પ્રાણઘાતક હથિયારો સાથે કુખ્યાત ગેંગ મળી આવી હતી.વધુમાં પોલીસે સ્કોર્પિયો કારમાં બેઠેલા આરોપી રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, રહે. પીપરડી, તા. જામ કંડોરણા જી. રાજકોટ, સિધ્ધાર્થ ઉર્ફે રોહીત ફૂલાભાઇ સાબળે, રહે. અમદાવાદ, મણીનગર હાટકેશ્વર, મુળ રહે. કાસોદા તા. ધરણગાવ, જી. જલગાવ, મહારાષ્ટ્ર, રાજેશ કેદારપ્રસાદ રામાણી, રહે. લક્ષ્મણ ગડવાલ ચોલ, ભીમનગર, શાહિમહિમા ચોલ, ચેતનહોલની સામે મલાડ ઇસ્ટ, મુંબઇ, મુળ રહે. પબેડીગામ, થાણુ-તા.ધનુરવા જી. ગોરખપુર, ઉત્તરપ્રદેશ, સાંઇ ઉર્ફે સુર્યા સુનિલ સકટ, રહે. હાલ સંતોષનગર ફિલ્મસિટીગેટ, ઇસ્ટઆંબાવાડી, ઝુપડપટ્ટી, ગોરેગાવ ઇસ્ટ, મુંબઇ મુળ રહે.મલાળલિંકરોડ, પરવાસી ઇન્ડસ્ટ્રીઝ, ગોરેગાવ, ઇસ્ટ મુંબઇ, વિશાલ નારાયણ સોનવણે, રહે. હાટકેશ્વર, લાલબાઇ સેન્ટર, ગુ.હા.બોર્ડની સામે, હરીપુરાના છાપરામાં, અમદાવાદ મુળ રહે. પાચોરા, શિવાજીનગર, મસાવદ બસ સ્ટોપ પાસે, જી.જલગાવ, વરૂણ ઉર્ફે ગોલ્લુ સંજય શર્મા, રહે. ગોરેગાવ ઇસ્ટ, ફિલ્મસિટીગેટની અંદર, મુંબઇ મહારાષ્ટ્ર, મુળ રહે. ભદોઇ, ઉત્તરપ્રદેશ અને અનીલ ઉર્ફે અલબટ લાહાનીયા જીંબલ, રહે. ગોરેગાવ ઇસ્ટ, સંતોષ નગર, ફિલ્મસિટીગેટની બાજુમાં, ઝુપડપટ્ટીમાં, મુંબઇ, મહારાષ્ટ્ર વાળાઓ તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને દબોચી લીધા હતા.દરમિયાન તમામ આરોપીઓ પૈકી રાજકોટના જામકંડોરણા ગામના કન્ટ્રકશનનો ધંધાર્થી રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ વાંકાનેરમાં આયુર્વેદિક દવાની પ્રેક્ટિસ કરતા ડોક્ટરને લૂંટવા માટે કાવતરું ઘડી કાઢી આ તમામ આરોપીઓ સાથે મળી ગુન્હાને અંજામ આપવા માટે યોજના ઘડી હતી અને જો ડોક્ટર પાસેથી નાણાં ન નીકળે તો ડોક્ટરનું અપહરણ કરી ખંડણી પડાવવા માટે ગેંગે કાવતરું રચ્યું હોવાનું પણ પોલીસ સમક્ષ કબુલ્યું હતું. બીજીતરફ પોલીસે આરોપીઓની તલાસી લેટ્ટ દેશી બનાવટની પિસ્તોલ, છ જીવતા કારતુસ, છરીઓ સહિતના હથિયાર મળી આવતા પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સહીત આઠેયને ગિરફ્તમાં લઈ બે સ્કોર્પિયો કાર સહીત કુલ રૂપિયા 25,52,400નો મુદામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.