31 ઓક્ટોબર : વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે બ્રિટિશ કાળમાં સ્વતંત્રતા અને ભારતને એક રાખવા રાજકીય તથા સામાજિક નેતા તરીકે તેમનું અમૂલ્ય પ્રદાનમોરબી : વલ્લભભાઈ પટેલનો જન્મ તા. 31 ઓક્ટોબર, 1875ના રોજ થયો હતો. આજે તેમની જન્મજયંતી છે. વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. તેઓ ભારતની એકતા અને અખંડીતતાના પ્રતિક હતા. બ્રિટીશરો વખતના ભારતમાં થયેલા ખેડૂત આંદોલનોના મુખ્ય નેતા હતા. બ્રિટિશ કાળમાં સ્વતંત્રતા અને ભારતને એક રાખવા માટે દેશના રાજકીય તથા સામાજિક નેતા તરીકે તેમણે અમૂલ્ય પ્રદાન કર્યું હતું. તેઓ ‘ભારતના લોખંડી પુરુષ’ તરીકે ઓળખાયા હતા. બારડોલીમાં ખેત-મહેસુલમાં કરેલા અન્યાયી વધારાની સામેની લડાઈમાં મળેલી જીત બાદ તેમને ‘સરદાર’ નામ આપવામાં આવ્યું હતું.વ્યવસાયે વકીલ તરીકે સફળ કારકિર્દી દરમિયાન સૌથી પહેલા તેઓ મહાત્મા ગાંધીની વિચારધારાથી પ્રેરાયા હતા. ગુજરાતમાં ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગિઠત કરીને અંગ્રેજોની જુલમી નીતિ સામે વિવિધ અહિંસક સત્યાગ્રહ આંદોલનો કર્યા હતા. મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ તેઓ ગુજરાતના પ્રભાવશાળી નેતા તરીકે ઊભરી આવ્યા હતા. ઇ.સ. 1931માં કરાંચી કોંગ્રેસ સત્રમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ કરવાથી યુવા નેતા તરીકેનું તેમનું વ્યક્તિત્વ બહાર આવ્યું હતું. એ જ પ્રકારે ઇ.સ. 1931થી પક્ષના તમામ કાર્યક્રમોમાં તેઓ આગળ પડતા રહેતા હતા. તેમણે ઇ.સ. 1934 અને ઇ.સ. 1937ની ચૂંટણીમાં પક્ષને સંગઠિત કરીને ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લીધો હતો. ઇ.સ. 1942માં ‘ભારત છોડો’ આંદોલનને કારણે તેમની સાથે મોટા ભાગના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.ભારતના પહેલા ગૃહપ્રધાન તથા નાયબ વડાપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું. સરદાર પટેલે 562 દેશી રજવાડાં અને અંગ્રેજોના જમાનાની રિયાસતોને એકત્રિત કરીને એક અને અખંડ ભારતનું બીડું ઝડપ્યું હતું.તેમનું નેતૃત્વ, નિખાલસ મુત્સદીગીરી અને લશ્કરનો ઉપયોગ કરવાના કારણે દરેક રજવાડાઓ ભારત સાથે જોડાવા સંમત થયાં હતાં. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલને ઓલ ઈન્ડિયા સિવિલ સર્વન્ટ્સના સ્થાપક એટલે કે ‘પેટ્રન સંત’ તરીકે પણ ઓળખવામાં આવે છે.સરદાર પટેલ ભારતમાં સંપત્તિ હકો અને મુક્ત ઉદ્યોગના પ્રારંભિક સમર્થકો પૈકી એક હતા. મૂળભૂત અધિકારો, લઘુમતીઓના અધિકાર, પ્રાંતીય બંધારણો અને અનુસૂચિત ક્ષેત્રોની સરહદોની સીમાંકન પર બંધારણીય સમિતિના અધ્યક્ષ તરીકેનું તેમનું યોગદાન ભારતીય બંધારણના આધારસ્તંભ સમાન છે. સ્વતંત્રતા બાદ અખંડ ભારતના ઘડવૈયા તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ આજે પણ લોકહૃદયમાં જીવંત છે.