ઉઘાડા પગે રહીને વેદના વેઠવામાં મારો જીવ નીકળી જાય તો પણ પરવા નથી, ન્યાય મેળવીને જંપીશ : માતાનો વલોપાતમોરબી : મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટના દુર્ઘટનાને 30મી ઓક્ટોબરે એક વર્ષ પૂરું થાય છે ત્યારે ઝૂલતાપૂલ દુર્ઘટનાના પરિજનો ગુમાવનાર પીડિતોની આંખમાં હજુ આંસુ સુકાયા નથી. પીડિતોને આઘાત એટલો લાગ્યો છે કે, આજે એક વર્ષે પોતાના વહાલસોયા પરિજનોની યાદમાં ચોધાર આંસુએ રડી પડે છે.ઝૂલતાપૂલ દુર્ઘટનામાં જુવાનજોધ પુત્ર ગુમાવનાર માતાએ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ચંપલ ન પહેરવાની બાધા લીધી છે.મોરબીના સિપાઈવાસમાં રહેતા શબાનાબેન પઠાણ પુત્રની યાદમાં ધુસ્કે ધુસ્કે રડીને કહે છે કે, લગ્ન થયા બાદ અત્યાર સુધીમાં ખૂબ જ દુઃખ વેઠયું છે. મારે ત્રણ પુત્રો હતા. નાની ઉંમરમાં મારા પતિ કેન્સરની બીમારીમાં મૃત્યુ પામ્યા હતા. યુવાન વયે જ વિધવા બનતા ત્રણ પુત્રોના ઉછેર અને ભણતરની જવાબદારી મારી માથે આવી પડી હતા. આ આઘાત વચ્ચે પણ મેં પારાકા ઘરના ઘરકામ કરીને ત્રણેય પુત્રોનો ઉછેર કરીને ભણાવ્યા હતા. વચેટ પુત્ર અલ્તાફખાન ઉ.વ. 19 ધો.10 સુધી ભણી નોકરીએ લાગી ગયો હતો અને એનો મહિને 15 હજાર પગાર હતો. આ પુત્ર એટલો કહ્યાગરો હતો કે બધો જ પગાર મને આપી દેતો, એક રૂપિયો પણ પોતાની પાસે રાખતો ન હતો. શબાનાબેન પઠાણ કહે છે કે, આવો મારો પ્રેમાળ પુત્ર ઝૂલતાપૂલની દુર્ઘટનામાં મોતને ભટયો હતો. અલ્તાફખાનની યાદમાં એકેય દિવસ એવો ગયો નહિ કે જ્યારે હું રડી નહિ હોવ, વારે તહેવારે મારા પુત્રની ખૂબ જ યાદ આવે છે. ત્યારે હું ધુસ્કે ધુસ્કે રડી પડું છું. આ ઝૂલતાપૂલની દુર્ઘટનામાં કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા છે. જેથી જે દોષિત હોય તેને કડકમાં કડક સજા મળે તે માટે મોટાપીર સમક્ષ ચંપલ ન પહેરવાની બાધા લીધી છે. તેમજ દરરોજ મારા પુત્રને ભોજનની થાળી પીરસી એ થાળી ફકીરને જમાડીને પછી જ હું જમુ છું. હવે ઉઘાડા પગે વેદના વેઠવામાં મારો જીવ પણ નીકળી જાય તો એની પરવા નથી. મને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે આ ઘટનાના એમને ચોક્કસ ન્યાય મળશે.