યુવાને ત્રણ લાખમાં ઇકો વેચાતી રાખ્યા બાદ ઇકો માલિકે દોઢ લાખ રોકડા લઈ ઇકો બીજાને વેચી મારી મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા યુવાન સાથે ત્રણ લાખમાં ઇકો કાર વેચાતી આપવાનું કહી વાહન લેવેચનો ધંધો કરતા કૌટુંબિક ભાઈ અને ઇકો ગાડીના માલિકે દોઢ લાખ રોકડા મેળવી લીધા બાદ ઇકો કાર અન્યને વેચી નાખતા બનાવ અંગે બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટ શેરી નંબર-4માં રહેતા મનોજભાઇ રમેશભાઇ જાદવને જૂની ઇકો કાર ખરીદવી હોય તેમના કૌટુંબિક ભાઈ અને વાહન લે વેચનો ધંધો કરતા આરોપી અનીલભાઇ ડાયાભાઇ જાદવને વાત કરતા આરોપી અનિલભાઈ જાદવ જીવાપર ચકમપરના રહેવાસી આરોપી મણીલાલ કરશનભાઇ કાલરીયાને લઈ મનોજભાઈના ઘેર ગયો હતો અને મનોજભાઈની ઇકો કાર રૂપિયા ત્રણ લાખમાં વેચાતી આપવા નક્કી કરી દોઢ લાખ રૂપિયા રોકડા આપી બાકીના પૈસા એક મહિનામાં આપવાનું નક્કી કરી નોટરી લખાણ કરાવી ગાડીનો કબ્જો પણ આપી દીધો હતો.જો કે, બાદમાં ગાડીના અસલ કાગળો લેવા જવાનું બહાનું કાઢી આરોપી અનીલભાઇ ડાયાભાઇ જાદવ અને મણીલાલ કરશનભાઇ કાલરીયા ગાડી લઈને ગયા બાદ ગાડીનો કબ્જો ન આપતા આ મામલે ફરિયાદી મનોજભાઇ રમેશભાઇ જાદવે પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.