મોરબી : આજે શરદ પૂનમના તહેવારની સાથે આંશિક ચંદ્રગ્રહણનો સંયોગ છે. આજે મધ્યરાત્રિએ એટલે કે તા. 28-29 ઓક્ટોબર, 2023ના રોજ આંશિક ચંદ્રગ્રહણ છે. ચંદ્ર 28 ઓક્ટોબરની રાત્રે પેનમ્બ્રામાં પ્રવેશ કરશે, ગ્રહણનો પેનમ્બ્રલ તબક્કો 29 ઓક્ટોબરના પ્રારંભિક કલાકોમાં શરૂ થશે. ભારતીય સમયના અનુસાર આ ગ્રહણ આજ રોજ રાત્રે 01:05 કલાકે શરૂ થશે તેમજ રાત્રે 02:24 કલાકે સમાપ્ત થશે. ગ્રહણનો સમયગાળો 1 કલાક 19 મિનિટનો રહેશે. આ ચંદ્રગ્રહણ મેષ રાશિ અને અશ્વિન નક્ષત્રમાં થઈ રહ્યું છેઆ ગ્રહણ મધ્યરાત્રિની આસપાસ ભારતના તમામ સ્થળોએથી દેખાશે. તેમજ આ ગ્રહણ પશ્ચિમ પ્રશાંત મહાસાગર, ઓસ્ટ્રેલિયા, એશિયા, યુરોપ, આફ્રિકા, પૂર્વીય દક્ષિણ અમેરિકા, ઉત્તર-પૂર્વ ઉત્તર અમેરિકા, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર અને દક્ષિણ પ્રશાંત મહાસાગરના વિસ્તારોમાંથી દેખાશે.આજનું ગ્રહણ ભારતમાં વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ છે. ભારતમાં દૃશ્યમાન છેલ્લું ચંદ્રગ્રહણ 8 નવેમ્બર, 2022 ના રોજ હતું અને તે સંપૂર્ણ ગ્રહણ હતું. ભારતમાં દૃશ્યમાન આગામી ચંદ્રગ્રહણ 07 સપ્ટેમ્બર 2025 ના રોજ થશે અને તે સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે.*ચંદ્રગ્રહણ ક્યારે થાય છે?*પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. આ પ્રક્રિયામાં એક સમય એવો આવે છે જ્યારે ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય એક જ રેખામાં આવે છે. આ દરમિયાન સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પડે છે, પરંતુ ચંદ્ર સુધી પહોંચતો નથી એટલે કે ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જાય છે. આ ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.