મોરબીમાં બારિયા એન્ટરપ્રાઇઝના નામની બોગસ પેઢી ખોલી 39.20 કરોડનું બોગસ બિલિંગ કરાયું હતું.મોરબી : બોગસ પેઢીઓ ઉભી કરી ખોટી ટેક્સ ક્રેડિટ મેળવવાના કૌભાંડમાં જીએસટી વિભાગે વર્ષ 2022માં મોરબીમાં દરોડા પાડી 39.20 કરોડના કૌભાંડ મામલે બારિયા એન્ટરપ્રાઇઝના નામની બોગસ પેઢીના સંચાલકો વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા પ્રકરણમાં છેલ્લા એક વર્ષથી ફરાર કૌભાંડિયા વિપુલ ધનજી કુલતરીયાની સુરત પોલીસે ધરપકડ કરી છે. સંદેશ દૈનિકના અહેવાલ મુજબ વર્ષ 2022માં સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ બોગસ બિલથી જી.એસ.ટી. ઇનપુટ ક્રેડિટ હડપ કરી જવાનું દેશવ્યાપી રેકેટ પકડ્યું હતું. જેમાં રાજકોટ, સુરત, ભાવનગર, અમદાવાદ, મોરબી અને રાજકોટના કૌભાંડીઓ દ્વારા અલગ અલગ નામે આઠ જેટલી બોગસ પેઢીઓ બનાવી તેમાં કરોડોનું ટ્રાન્ઝેક્શન દર્શાવી સરકાર પાસેથી રિફન્ડ મેળવી લઇ કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી. વિસ્તારપૂર્વકની તપાસમાં આખું રેકેટ ૨૭૦૬ કરોડનું નીકળ્યું હતું. પોલીસની તપાસમાં અનેક મોટા માથાઓના નામ ખુલ્યા હતા જેમાં મોરબીની બારિયા એન્ટરપ્રાઇઝના નામે 39.20 કરોડના બોગસ બિલિંગ પ્રકરણમાં પોલીસે મોરબીના ધર્મેન્દ્ર અજાણા, મયૂર ઉઘરેજા અને નિકુંજ ફિચડિયાની ધરપકડ કરાઇ હતી. નિકુંજે મોરબી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા અને સિરામિકનો વેપાર કરતાં વિપુલ ધનજી કુલતરીયા સાથે મળી 10 બોગસ પેઢીઓના નામે વ્યવહારો બતાવી સરકારને ઊઠાં ભણાવ્યાનું બહાર આવ્યું હતું. આ ચકચારી જીએસટી ક્રેડિટ પ્રકરણમાં પોલીસે એક વર્ષથી ફરાર વિપુલ કુલતરીયાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હોવાની વિગતો સામે આવી છે.