વાઘપરા મંદિર ઉપર પથ્થરમારો કરવાની ઘટનામાં હિન્દૂ અને મુસ્લિમ ધર્મના અગ્રણીઓએ એ ડિવિઝન પીઆઇને રજુઆત કરી મોરબીની સુલેહ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનાર આવારાતત્વ સામે કડકમાં કડક સજા કરવાની માંગ કરીમોરબી : મોરબીના વાઘપરામાં આવેલ મંદિર ઉપર નશાખોર શખ્સે પથ્થરમારો કરીને કોમી એકતાને ખંડીત કરવાનો હીન પ્રયાસ કરતા હિન્દૂ અને મુસ્લિમ સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.આજની આ ઘટના બાદ મુસ્લિમ ધર્મગુરુએ મઝહબ નહિ શિખાતા આપસ મેં બૈર રખના... પંક્તિનો ઉલ્લેખ કરી આ ઘટનાની કડક શબ્દોમાં આલોચના કરી હતી અને કોમી એકતાને તોડવાનો પ્રયાસને કોઈ કાળે સાંખી નહિ લેવાય તેવું જણાવ્યું હતું. સાથે જ હિન્દૂ અને મુસ્લિમ ધર્મના અગ્રણીઓએ એ ડિવિઝન પીઆઇને રજુઆત કરીને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.મોરબીના મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ અબ્દુલ રસીદ મિયા બાપુએ જણાવ્યું હતું કે, આજે મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલા મંદિર ઉપર વહેલી સવારે એક શખ્સે નશાની હાલતમાં કે જાણી જોઈને હુમલો કરી મોરબીમાં વર્ષોથી જળવાઈ રહેલી કોમી એકતા અને અખંડિતતાને તોડવાનો હીન પ્રયાસ કર્યો છે તેને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને મંદિર જેવા પવિત્ર સ્થળ ઉપર પથ્થરમારો કરીને કોમી એકતાનો પ્રયાસ કરનાર આ શખ્સને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી હોતી, એને પોતાનો બદઈરાદો પાર પાડવાનો હોય એવા ધર્મ વિરોધી લોકોની હીન પ્રવૃત્તિઓને કોઈ કાળે મુસ્લિમ સમાજ સાંખી નહિ લે અને મંદિર, મસ્જિદ કે દરેક ધર્મના પવિત્ર સ્થળે આવી ઘટનાને અંજામ આપી હિન્દુસ્તાનની એકતા તોડવાનો હીન પ્રયાસ કરશે તો મુસ્લિમ સમાજ હમેશા એવા તત્વને સાથ નહિ આપે તેમજ આવા તત્વોનો નાપાક પ્રયાસને કયારેય હિન્દૂ અને મુસ્લિમ સમાજ સાકાર થવા નહિ દે. વધુમા મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ અબ્દુલ રસીદ મિયા બાપુએ ઉમેર્યું હતું કે, મોરબીમાં વર્ષોથી કોમી એકતા અને સુલેહ શાંતિ જળવાયેલી રહી છે. તેમજ દરેક કોમ દરેક ધર્મના તહેવારો હળી મળીને ઉજવે છે. આ કોમી શાંતિનો ડહોળનાર શખ્સ જે પણ ધર્મનો હોય એની સામે સખતમાં સખત સજા થવી જોઈએ. સાથે જ તેમને ઉમેર્યું હતું કે મંદિર, મસ્જિદ કે શોભાયાત્રા કે ઝુલુસ ઉપર પથ્થરમારો કરી કોમી એખલાસની તોડવાનો પ્રયાસ કરતા તત્વોને કોઈ ધર્મ નથી હોતો તેઓ ધર્મથી દૂર જ હોય છે માટે લોકોએ આવા તત્વોથી સાવચેત રહેવું જોઈએ તેમ જણાવી આજે મોરબીના મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને હિન્દૂ સમાજના અગ્રણીઓ સાથે મળી એ ડિવિઝન પીઆઇ જાડેજાને રજુઆત કરી હતી કે, મંદિર ઉપર પથરમારો કરીને કોમી એકતાને ખંડિત કરવાનો પ્રયાસ કરનાર શખ્સ વિરુદ્ધ કડકમાં કડક સજા મળે તેવી કાર્યવાહી કરવા માંગ કરી હતી.