વિનામૂલ્યે આયુષ નિદાન-સારવાર કેમ્પનું આયોજનમોરબી : આયુષ મંત્રાલય- ભારત સરકાર પ્રેરીત નિયામક-આયુષની કચેરી, ગાંધીનગર નિર્દેશિત અને આયુર્વેદ શાખા-જિલ્લા પંચાયત, મોરબી તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, મોરબી દ્વારા આગામી તારીખ 4 નવેમ્બર ને શનિવારના રોજ મોરબી જિલ્લા પંચાયત ભવન ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિનામૂલ્યે આયુષ નિદાન-સારવાર કેમ્પ પણ યોજાશે.4 નવેમ્બર ને શનિવારના રોજ સવારે 9-30 થી બપોરે 5 વાગ્યા સુધી યોજાનાર આ આયુષ મેળામાં આયુર્વેદ તથા હોમિયોપેથીથી નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે. આ આયુષ મેળામાં આયુર્વેદ તથા હોમીયોપેથી નિઃશુલ્ક સારવાર, વિવિધ રોગોના નિષ્ણાંત વૈદ્યો દ્વારા આપની જુની અને જટિલ બિમારીઓનું આયુર્વેદ પદ્ધતિ મુજબ નિઃશુલ્ક નિદાન અને સારવાર, હોમિયોપેથીના નિષ્ણાંત તબીબ દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથી સારવાર કરવામાં આવશે. સાથે જ વિવિધ શારીરિક અને માનસિક રોગોમાં તથા આરોગ્યપ્રદ જીવન શૈલીમાં વિવિધ યોગાસનો અંગે માર્ગદર્શન તથા લાઇવ યોગ ડેમોસ્ટ્રેશન યોજાશે. “વર્લ્ડ મીલેટ્સ યર ૨૦૨૩ ” અંતર્ગત બાજરો, જુવાર, રાગી વગેરે ધાન્યનું આરોગ્યમાં મહત્વ અંગે ચાર્ટ દ્વારા પ્રદર્શન અને ધાન્યની વિવિધ વાનગીઓનું આસ્વાદ સહ નિદર્શન રાખવામાં આવ્યું છે. હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ વિશે માર્ગદર્શન માટેનું પ્રદર્શન. આયુર્વેદ નિષ્ણાંત દ્વારા નાડી પરીક્ષણ અને પ્રકૃતિ પરીક્ષણ. કમર, સાંધા, મણકા અને સ્નાયુના દુઃખાવામાં તાત્કાલિક રાહત આપતી અગ્નિકર્મ ચિકિત્સા. રોગપ્રતિકારક શકિતવર્ધક ઉકાળા અને ગોળીઓનું નિઃશુલ્ક વિતરણ અને ઘર આંગણાની વિવિધ ઉપયોગી ઔષધોઓ વિશે પ્રદર્શન સહ માર્ગદર્શન આપવામાં આવશે. બાળકોના વિકાસ માટે અતિ ઉત્તમ એવા સુવર્ણપ્રાશનના ટીપા નિઃશુલ્ક પીવડાવવામાં આવશે. શિરોધારા અને જાનુબસ્તિ જેવી પંચકર્મની થેરાપીઓનું લાઇવ ડેમોસ્ટ્રેશન પણ કરાશે. “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૩” ની ઉજવણી અંતર્ગત આયુર્વેદ, યોગ અને હોમીયોપેથીના ત્રિવેણી સંગમ સમા આયુષ મેળાનું આયોજન મોરબીના આંગણે થવા જઈ રહ્યું છે તો આ પ્રસંગે આરોગ્યલક્ષી પ્રશ્નોનું નિવારણ મેળવવા તેમજ વિવિધ આયુષ પદ્ધતિઓનો જીવનશૈલીમાં સમાવેશ કરી નિરોગી જીવન પ્રાપ્ત કરવા માટેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આયુષ મેળામાં સહભાગી થવા મોરબીની જાહેર જનતાને આમંત્રણ પાઠવાયું છે. દર્દીઓએ પોતાના જુના રીપોર્ટ અને ફાઇલ સાથે લાવવા જણાવાયું છે.