મોરબીના તળાવિયા શનાળા - ઉંચી માંડલ રોડ ઉપર બનેલી ઘટનામાં રોંગ સાઈડમાં ધસી આવેલા બે બાઇકસવારોનું પરાક્રમ મોરબી : મોરબીના તળાવિયા શનાળા - ઉંચી માંડલ રોડ ઉપર બનેલી ઘટનામાં રોંગ સાઈડમાં ધસી આવેલા બે બાઇકસવારોએ કારખાનેદાર યુવાનને વગર વાંકે તારે અહીંથી હાલવું છે ને કહી ધમકી આપી છરી મારી દેતા મોરબી તાલુકા પોલીસ મથકમાં બાઈક નંબરના આધારે બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ હળવદના વતની અને હાલમાં મોરબી ઉમા ટાઉનશીપમાં રહેતા અને તળાવિયા શનાળા ગામે કારખાનું ધરાવતા કલ્પેશભાઇ મનસુખભાઇ વાઘ્રોડીયા ઉ.35 નામના કારખાનેદાર પોતાના પિતરાઈ સાથે ગઈકાલે કાર લઈને મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે તળાવિયા શનાળા - ઉંચી માંડલ રોડ ઉપર રોંગ સાઈડમાંથી GJ-36-D-5683 નંબરનું બાઈક લઈને બે શખ્સો ધસી આવ્યા હતા અને ગાડીના બોનેટ ઉપર ખાલી બોક્સ પછાડી ગાડીનો કાચ ખોલાવી પૂછ્યું હતું કે તને કઈ હવા છે ? આ રોડ ઉપરથી તારે હાલવું છે ને કહી બાઇકમાં આવેલા એક શખ્સે છરી કાઢી હુમલો કરતા કલ્પેશભાઇએ હાથ આડો રાખી દેતા હાથમાં ઈજાઓ પહોંચી હતી.આ ઘટના અંગે કલ્પેશભાઇ મનસુખભાઇ વાઘ્રોડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈક નંબરને આધારે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.