ખેત મજૂર પરિવારની દીકરીને 4.32 લાખ વળતર ચૂકવવા આદેશમોરબી : ટંકારા તાલુકાના ઘુનડા ગામે ખેત મજૂરી કરતા પરિવારની સગીર દીકરીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને મોરબીની નામદાર સ્પેશિયલ પોકસો કોર્ટે 20 વર્ષની કેદની સજા તેમજ 32 હજાર રૂપિયા દંડ ફટકારી ભોગ બનનાર દીકરીને 4 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે.આ કેસની હકીકત જોઈએ તો ટંકારા તાલુકાના ઘુનડા ગામે કપાસ વીણવાની ખેત મજૂરી કરવા આવેલા પરિવારની સગીર વયની દીકરીને દાહોદના ધાનપુરનો રહેવાસી નાનો ઉર્ફે મોતિયો કાંતિભાઈ ઉર્ફે કાનો સમેલીયાભાઈ ભુરિયા નામનો શખ્સ લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી જઇ વારંવાર દુષ્કર્મ ગુજારતા બનાવ અંગે વર્ષ 2020મા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જે અંગેનો કેસ નામદાર મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા એડવોકેટ સંજયભાઈ દવે અને નિરજભાઈ કારીયાની ધારદાર દલીલો તેમજ 13 મૌખિક અને 27 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ નામદાર કોર્ટ દ્વારા આરોપીને અલગ અલગ કલમો મુજબ દોષિત ઠેરવી 20 વર્ષની કેદ તેમજ 32 હજારનો દંડ ફટકાર્યો હતો. સાથે જ નામદાર કોર્ટ દ્વારા ભોગ બનનાર પીડિતાને 4 લાખ વળતર ઉપરાંત આરોપી દંડની રકમ ભરે તો 32 હજાર મળી 4.32 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.