ટ્રેજેડી વિકટીમ એસોસિએશન મોરબી દ્વારા સાબરમતી ગાંધી આશ્રમથી ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સુધી યોજાશે શ્રદ્ધાંજલિ યાત્રામોરબી : મોરબી ઝૂલતોપુલ દુર્ઘટનાની વરસીએ ટ્રેજેડી વિકટીમ એસોસિએશન મોરબી દ્વારા આગામી તા.30ના રોજ સાબરમતી ગાંધી આશ્રમથી ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સુધી શ્રદ્ધાંજલિ યાત્રા યોજવા નક્કી કર્યું છે. 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા આ ગોઝારી દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. આ ગોઝારી દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું હોય ટ્રેજેડી વિકટીમ એસોસિએશન મોરબી દ્વારા અમદાવાદ સાબરમતી સ્થિત ગાંધી આશ્રમથી મુખ્યમંત્રી નિવાસ સુધી શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કરાયું છે. વધુમાં ઝૂલતા પુલ દુર્ઘટના બાદ રચાયેલ ટ્રેજેડી વિકટીમ એસોસિએશન મોરબી દ્વારા વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ડીજીપી અને અમદાવાદ કમિશનરને આવેદન પાઠવી જણાવ્યું છે. કે તા.30 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતો પુલ દુર્ઘટના બની હતી. જેમાં મૃત્યુ પામેલા પૈકી 122 મૃતકોના પરિવારજનો એસોસિએશન સાથે જોડાયેલા છે. આ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે પીડિત પરિવારોને ન્યાય મળે અને માનવસર્જિત દુર્ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવશે. તેવી હૈયા ધારણા પણ વડાપ્રધાન, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ પરિવારોને આપવામાં આવી હતી. અને તા. 09-10-2023 ના રોજ સરકાર દ્વારા રચેલી સીટનો રિપોર્ટમાં પણ ઓરેવા કંપની, તેના ડાયરેકટર અને કર્મચારીઓ જ સંપૂર્ણ જવાબદાર દર્શાવવામાં આવ્યા છે જેથી આરોપીઓ સામેનો કેસ ઝડપી ચલાવવામાં આવે અને આરોપીઓને સખ્ત આજીવન કેદની સજા આપવામાં આવે ત્યારે જ અકાળે અવસાન પામેલા સ્વજનોના આત્માની શાંતિ મળશે તેવું જણાવાયું છે.દરમિયાન ઝૂલતા પુલ દુર્ઘટનાને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે દુર્ઘટનાની પ્રથમ વાર્ષિક તિથિએ તા. 30ના રોજ દુર્ઘટનાના પીડિત પરિવારો દ્વારા મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદ ગાંધી આશ્રમથી મુખ્યમંત્રી નિવાસ ગાંધીનગર સુધી 24 કિલોમીટર સુધીની શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે શ્રદ્ધાંજલિ યાત્રા સવારે 6 કલાકે ગાંધી આશ્રમ અમદાવાદથી શરૂ થશે જેમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના 200 જેટલા પરિવારજનો જોડાશે. ઉલ્લેખનીય છે કે મોરબીમાં ઝૂલતો પુલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે હાલમાં ઝૂલતાપૂલના છેડે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે જે તા. 30 સુધી ચાલશે. સાથે જ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની તસ્વીર સાથેના બેનરો પણ મોરબીમાં ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે.