મોરબી : મોરબીની નિલકંઠ સ્કૂલ સામે આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રિ મહોત્સવમાં નવ દિવસ રાસ-ગરબાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ નવરાત્રિના નવ દિવસ સુધી સોસાયટીના તમામ લોકો પરિવાર ભાવના સાથે આ રાસ-ગરબામાં જોડાયા હતા અને માતાજીની આરાધના કરી હતી.આજે દશેરાના દિવસે વિશ્વકર્મા સોસાયટી ગરબી મંડળ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ પણ યોજાશે. સાથે જ સમૂહ ભોજન પણ રાખવામાં આવ્યું છે. દશેરાના દિવસે ગરબીમાં રાસ-ગરબે રમનાર બાળાઓને લ્હાણી પણ કરવામાં આવશે. આ ગરબીમાં એક દિવસ પ્રજ્ઞાચક્ષુ અંધજન લક્ષ્મીનગરના ભાઈઓને આમંત્રિત કરીને રાસ-ગરબે રમાડ્યા હતા. નવ દિવસ સુધી આ ગરબીમાં પહેલા નાની બાળાઓ ગરબે રમે છે અને ત્યારબાદ મોટા બહેનો રાસ-ગરબા રમતી હોય છે. અને અંતમાં ભાઈઓ ગરબે રમે છે. આ વિશ્વકર્મા સોસાયટી ગરબી મંડળ આશરે 60 વર્ષ જુની છે. સોસાયટીનો પાયો બાબુભાઈ મિસ્ત્રી (સાયન્ટિફિકવાળા)એ નાખ્યો હતો. સોસાયટીમાં તમામ જ્ઞાતિના લોકો રહે છે અને સૌ સાથે મળીને એક કુટુંબની ભાવના સાથે તહેવારોની ઉજવણી કરતાં હોવાનું સોસાયટીના પ્રમુખ એ.કે. ઠોરિયા દ્વારા જણાવાયું છે.