મિશ્ર ઋતુના કારણે રોગચાળાએ ગામમાં ભરડો લીધો : આરોગ્યતંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગહળવદ : હાલ મિશ્ર ઋતુના કારણે ઠેર - ઠેર દવાખાનાઓમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે તેવામાં હળવદ તાલુકાના નવા કોયબા ગામે ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે જેના કારણે આરોગ્ય તંત્ર પણ યોગ્ય તપાસ કરે તે માટે ગામ લોકોએ માંગ ઉઠાવી છે.અંદાજે 400 નાગરિકોની વસ્તી ધરાવતા હળવદ તાલુકાના નવા કોયબા ગામમાં છેલ્લા છ-સાત દિવસથી લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે.હાલ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ગામમાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે.ગામના જાગૃત લોકોના જણાવ્યા મુજબ ગામ લોકો જ્યારે દવાખાને જાય અને રિપોર્ટ કરાવે તો સૌથી વધુ રિપોર્ટ લોહીના કાઉન્ટ ઘટી જવાના જ આવે છે.જેથી ડેન્ગ્યુની પણ અસર હોવાનું મનાઈ રહ્યું છે. આ બાબતે આરોગ્ય વિભાગ નવા કોયબા ગામે સર્વે કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. સાથે જ જુના કોયબા ગામે પેટા આરોગ્ય કેન્દ્ર પણ છે પરંતુ ત્યાં પૂરતો સ્ટાફ નથી જેના કારણે લોકોને તાલુકા મથક સુધી સારવાર લેવા માટે આવું પડે છે.હળવદ પંથકમાં રોગચાળા મામલે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી કવિતાબેન દવેનો સંપર્ક કરતા તેઓનો મોબાઇલ સ્વીચ ઓફ આવ્યો હતો.જ્યારે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચિંતનભાઈ દોશીનો સંપર્ક કરતા તેઓએ ફોન રિસીવ કર્યો ન હતો.