દરેક વિષયના પુસ્તકો, મેગેજીન ઉપલબ્ધ હોવાથી લોકોની પુસ્તકો વાંચવાની ભૂખ ઉઘડીમોરબી : મોરબીના તાલુકા સેવા સદનમાં આવેલી તાલુકા કક્ષાની લાઈબ્રેરી છ મહિના પહેલા જિલ્લા કક્ષાની લાઈબ્રેરી બનતા લોકોની પુસ્તકો વાંચવાની રસ રુચિ વધી છે. આ લાઈબ્રેરીમાં અગાઉ 19 હજાર પુસ્તકો હોય એમાં વધારો થઈને હવે 22900 જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે. એટલે ચાર હજાર જેટલા પુસ્તકો વધ્યા છે. અગાઉ આ લાઈબ્રેરીના 3500 જેટલા સભ્યો એમાં પણ વધારો થઈને હવે 4 હજાર જેટલા સભ્યો થયા છે.જિલ્લા કક્ષાની લાઈબ્રેરીમાં એક્ટિવ સભ્યો પણ વધારો થતાં હવે 1500 જેટલા સભ્યો થઈ ગયા છે. આ પુસ્તકાલયમાં તમામ પ્રકારની પુસ્તકો વાંચવા મળે છે. જેમાં મોટીવેશનલ, સાહિત્ય, કોમેડી, હિસ્ટ્રી, ધાર્મિક, બાળકોના પુસ્તકો ઉપલબ્ધ છે. દૈનિક 120 જેટલક વાંચકો આ પુસ્તકાલયમાં નિયમીત વાંચવા આવે છે. જિલ્લા કક્ષાની લાઈબ્રેરી બનતા મહિલાઓ માટે અલગ રિડીગ રૂમ બનાવવામાં આવ્યો છે. બાળકો માટે 2200 જેટલા પુસ્તકો છે. સિનિયર સીટીઝનોને ખાસ પુસ્તકો વાંચવા માટે અલગ રૂમ ફાળવવામાં આવ્યો છે. મહિલાઓ અને બાળકો માટે પણ અલાયદી સુવિધા છે. જ્યારે પુસ્તકાલયમાં પાંચ વર્ષના બાળકો માટે રૂ.8, મોટેરાઓ માટે 40 રૂપિયાની ફી ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. અગાઉ ત્રણ કર્મચારીઓ હોય હવેથી પાંચ કર્મચારીઓ ફરજ બજાવે છે. આ ઉપરાંત દરરોજ 10 જેટલા હિન્દી, ઈંગ્લીશ અને ગુજરાતીના અખબારો અને 14 જેટલા જુદાજુદા મેગેજીન રાખવામાં આવે છે. ખાસ કરીને પરીક્ષાનો સમય હોય ત્યારે વાંચકોની સંખ્યા ઘણી વધી જાય છે. વિદ્યાર્થીઓને કોઈપણ જાતના ડિસ્ટબ વચ્ચે એકાગ્રતાથી વાંચવા મળે છે. તેમજ બાળકો, મહિલાઓ અને વૃદ્ધો તેમજ યુવાનો પણ અહીં નિયમિત રીતે પુસ્તકો વાંચવા આવે છે. આથી ધીરેધીરે સીરામીક નગરીના લોકો પુસ્તકો વાંચવા માટે પ્રેરાયા છે.