સામાજિક કાર્યકરની વડાપ્રધાનને રજુઆત, લાંબા અંતરની ટ્રેનોની સાથે નઝરબાગ રેલવે સ્ટેશનને વિકસાવવાની માંગમોરબી : કેન્દ્ર સરકાર લાંબા સમયથી લાંબા અંતરની ટ્રેનો આપવામાં સિરામિકનગરી મોરબીને અન્યાય કરી રહી છે. લાંબા અંતરની ટ્રેનોના અભાવે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સિરામિક ઉદ્યોગને કારણે સતત વિકસતા મોરબીને લાંબા અંતરની ટ્રેનોની તાતી જરૂરિયાત છે. આથી સામાજિક કાર્યકરે વડાપ્રધાનને રજુઆત કરી લાંબા અંતરની ટ્રેનોની સાથે નઝરબાગ રેલવે સ્ટેશનને વિકસાવવાની માંગ કરી છે.સામાજિક કાર્યકર જયેશ મકવાણાએ દેશના વડાપ્રધાનને રજુઆત કરી હતી કે, મોરબી સિરામિક ઉદ્યોગના કારણે ઘણું જ વિકસી રહ્યું છે. ઉદ્યોગોના વિકાસને કારણે મોરબી વિશ્વભરમાં જાણીતું છે. ત્યારે મોરબીમાં લાંબા અંતરની ટ્રેનો ન હોવી એ બાબત ઘણી જ ખેદજનક બાબત છે. ઉદ્યોગોના કામ અર્થે આવતા પરપ્રાંતિયો તેમજ ટાઇલ્સ ખરીદી માટે આવતા વેપારીઓને વાંકાનેર કે અન્ય સ્થળે જઈને ટ્રેન પકડવી પડે છે. આથી સૌરાષ્ટ્રની લાંબા અંતરની ટ્રેનોને મોરબી ડાયવર્ટ કરવા, સૌરાષ્ટ્ર - કચ્છને જોડતી રાજકોટ, પોરબંદર, જામનગર સહિતની તમામ ટ્રેનોને મોરબી ડાયવર્ટ કરવા, વાંકાનેર નવલખી રેલવે બ્રોડગેઇઝ લાઈનને ડબલ ટ્રેક બનાવવા, મોરબીના નઝરબાગ રેલવે સ્ટેશનને આધુનિક રીતે વિકસાવવા સહિતની વર્ષોથી પેન્ડિંગ માંગણીઓ સ્વીકારી વર્ષોથી થઈ રહેલો અન્યાય દૂર કરવાની માંગ કરી છે.