પ્રાચીન ગરબીઓમાં જૂની પરંપરા મુજબ રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરતી બાળાઓમોરબી : મોરબીમાં નવરાત્રી મહોત્સવને લઈને અર્વાચીન રાસોત્સવ અને પ્રાચીન ગરબીઓમાં રાસ ગરબાની ધૂમ મચી છે. આજના ડિજિટલ યુગમાં પણ વર્ષો જૂની પરંપરા મુજબ યોજાતી પ્રાચીન ગરબીઓનો દબદબો યથાવત રહ્યો છે. ઢોલ, મજીરા, પેટી, દોકળ સહિતના વાજીંત્રોના તાલે રાસ ગરબે રમતી બાળાઓના રાસ જોવા માનવ મહેરામણ ઉમટી પડે છે. જેમાં શહેરની સૌથી મોટી શક્તિ ચોક ગરબી મંડળે તો ભારે જમાવટ કરી રહી છે અહીં બાળાઓ અદભુત રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરે છે.મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પ્રાચીન ગરબી 32 વર્ષ જૂની છે. જેમાં પોલીસ પરિવારની દીકરીઓ અને આજુબાજુ વિસ્તારની દીકરીઓ સાથે મળીને રાસ ગરબે રમીને માતાજીની ભક્તિ કરે છે. મહિષાસુર, મોગલ રાસ તેમજ જુદી જુદી મંડળીઓ રાસ ગરબે રમે છે અને એકદમ પ્રાચીન ઢબથી આ ગરબી યોજાઈ છે.મોરબીના બજાર વિસ્તારમાં આવેલી રાજાશાહી વખતની મંગલ ભુવન ગરબી પણ ભારે જમાવટ કરે છે. અગાઉ પ્રાચીન ઢબે જ આ ગરબી યોજાતી હતી અને સમયના બદલાતા વહેણ સાથે આ ગરબીએ પણ તાલ મિલાવતા આધુનિકતાનો રંગ સ્પર્શીયો છે. અદભુત લાઈટ ડેકોરેશન અને શાનદાર મંડપ તેમજ આધુનિક મ્યુઝિક સિસ્ટમથી રાસ ગરબા રમાડવામાં આવે છે. આ ગરબીમાં 125 જેટલી બાળાઓ અર્વાચીન અને પ્રાચીન માડી તારા અઘોર નગારા સહિતના રાસરજૂ કરીને માતાજીની સ્તુતિ કરે છે.માળીયા મીયાણાં તાલુકાના વવાણીયા ગામની 70 વર્ષથી ચાલતી પ્રાચીન ગરબીમાં આજે ય પ્રાચીન પરંપરા અનુસાર જ માતાજીની આરાધના કરવામાં આવે છે. જેમાં વવાણીયા ગામ શ્રીમદ રાજચંદ્ર અને રામબાઈ મા ની જન્મભૂમી હોય આ ગામ ભારે જાણીતું છે. આ ગરબીમાં ગામની સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબા રજૂ કરવામાં આવે છે. બીજા કોઈ ગરબા રજૂ થતા નથી. વવાણીયા ગામની આગવી ઓળખને ઉજાગર કરતા રાસ ગરબા રજૂ કરવામાં આવે છે. દેશભક્તિના પણ ગરબા ગાવામાં આવે છે અને ઢોલ, તબલા, મજીરા સહિતના તાલે જ બાળાઓ રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરે છે.