ઘઉંમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૧૫૦, ચણામાં રૂ. ૧૦૫ અને રાયડામાં રૂ. ૨૦૦નો વધારો મોરબી : કેન્દ્ર સરકારે ખેડૂતોને દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. સરકારે MSP એટલે કે રવિ સિઝનના મુખ્ય ૬ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે MSPમાં ૨%થી ૭ ટકા સુધી વધારાને મંજૂરી આપી છે.રવિ પાકોનું વાવેતર થાય તે પહેલાં ૨૦૨૩-૨૪ માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુમ્બીના ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ૨થી ૭ ટકાનો ભાવ વધારો કરાયો છે. ઘઉંમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૧૫૦, ચણામાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૧૦૫ વધારો કરાયો છે. રાયડામાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૨૦૦ નો વધારો કરાયો છે. ઘઉં માટે રૂ. ૨૨૭૫ પ્રતિ ક્વિ., જવ માટે રૂ. ૧૮૫૦ પ્રતિ ક્વિ., ચણા માટે રૂ. ૫૪૪૦ પ્રતિ ક્વિ., મસૂર માટે રૂ. ૬૪૨૫ પ્રતિ ક્વિ., રાયડા માટે રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિ. અને કસુમ્બી માટે રૂ. ૫૮૦૦ પ્રતિ ક્વિ. ભાવ જાહેર કરાયા છે.