દર્દીના કોઇ અંગને સુન્ન કરવા કે બેહોશ કરવા માટે કરાતો એનેસ્થેસિયાનો ઉપયોગએનેસ્થેસિયાનો ઉપયોગ સૌ પ્રથમ વર્ષ 1846માં થયો હોવાનું મનાય છેમોરબી : સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. 16 ઓક્ટોબરના રોજ વર્લ્ડ એનેસ્થેસિયા ડેની ઉજવણી કરાઈ છે. 'શીશી સુંઘાડવી' જેવા શબ્દથી સામાન્ય લોકોમાં પણ પ્રચલિત થઈ ગયેલી એનેસ્થેસિયા એટલે કે દર્દીને બેભાન કરવાની દવાની શોધને કારણે આ દિવસ ઉજવાય છે. સદીઓ પહેલા વાઢકાપ કરવા માટે દર્દીને કેટલાક લોકો પકડી રાખતા અને સર્જરી કરાતી હતી. ભૂતકાળમાં ક્લોરોફોર્મ નામની દવા દર્દીને વાઢકાપ પહેલા બેભાન કરવા માટે આવતી હતી. ક્લોરોફોર્મને શીશી સુંઘાડવી એમ કહેવામાં આવતું હતું, પરંતુ તેની આડઅસરો થતી હતી. અત્યારના સમયમાં એનેસ્થેસિયાની લેટેસ્ટ ટેક્નિક અને દવાઓ સાથેના મોનિટરિંગનાં અદ્યતન સાધનો અને પોસ્ટ ઓપરેશન સર્જિકલ આઈ.સી.યુ.ને કારણે પણ હવે મોટાં અને નાજુક ઓપરેશનોનાં રિઝલ્ટમાં મોટા ફેરફાર નોંધાયા છે.એનેસ્થેસિયાનો ઉપયોગ મેડિકલ ઓપરેશન દરમિયાન દર્દીના કોઇ અંગને સુન્ન કરવા કે બેહોશ કરવા માટે કરાય છે. એનેસ્થેસિયાથી દર્દીને શસ્ત્રક્રિયા દરમિયાન પીડા કે દુ:ખાવાનો અનુભવ થતો નથી. વિજ્ઞાનની પ્રગતિ સાથે એનેસ્થેસિયા હવે વધુ સુલભ, સરળ અને દર્દીઓ માટે અત્યંત સલામત છે. અત્યારે દર્દીઓ સર્જરી પછી ૨૪ કે ૪૮ કલાક પાણી વગર ટળવળવાને બદલે સામાન્ય પરિસ્થિતિમાં જીવન પામે છે. સામાન્ય રીતે નાના ઓપરેશનો હોય તેમાં રિજિનલ એનેસ્થેસિયા આપવામાં આવે છે. નાની ગાંઠ કે કોઈ પણ નાના ઓપરેશનમાં રિજિનલ એનેસ્થેસિયા ઉપયોગમાં લેવાય છે. જ્યારે જનરલ એનેસ્થેસિયામાં આખા શરીરને પેરલાઈસ કરી દેવાય છે. જેને કારણે થોડા સમય માટે મસલ્સ કામ કરતા બંધ થાય છે અને દર્દીના શ્વાસોશ્વાસની પ્રક્રિયા ડોક્ટરના હાથમાં આવી જાય છે. થોડા સમય માટે ઓપરેશન દરમિયાન એનેથેસિસ્ટ દર્દીના શ્વાસનું સંચાલન કરે છે. ઓપરેશન સમયે એનેસ્થેસિસ્ટનું મહત્ત્વ સર્જન જેટલું જ બની રહે છે.એનેસ્થેસિયાનો ઇતિહાસએનેસ્થેસિયાનો ઉપયોગ સૌ પ્રથમ વર્ષ 1846માં થયો હોવાનું મનાય છે. વિલિયમ થોમસ ગ્રીન મોર્ટર દ્વારા તા. 16 ઑક્ટોબર, 1846ના રોજ અમેરિકાની એક જનરલ હોસ્પિટલમાં ઈથર એનેસ્થેસિયાનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની યાદમાં વિશ્વ એનેસ્થેસિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. એનેસ્થેસિયાનો યુગ રાણી વિક્ટોરિયાના સમયથી અમલમાં આવ્યો હોવાનું કહી શકાય. ઈંગ્લેન્ડમાં સૌથી પહેલાં આ દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે ઇ.સ. 1850થી ઇ.સ. 1860ના દાયકા દરમિયાન રાણી વિક્ટોરિયાના બંને બાળકોના જન્મ સમયે દર્દશામક દવાના ઉપયોગ તરીકે એનેસ્થેસિયા વપરાયું હતું.