રફાળીયાના મિત્તલ સોલંકી અને મોચી શેરીમાં રહેલા કિશન કૈલા વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો મોરબી : મોરબીમાં મોબાઈલ ઈન્ટરનેટના દુરુપયોગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઓલ્ડ મોરબીમાં રહેતી સગીરા સાથે મોબાઈલના માધ્યમથી મિત્રતા કેળવી રફળિયા અને મોરબીના બે શખ્સોએ બળજબરીથી અભદ્ર ફોટા પાડી લઈ વીડિયોકોલ કરી નગ્ન થવા મજબુર કરી સ્ક્રીન રેકોર્ડિંગ કરી બાદમાં સગીરાને બ્લેકમેઇલ કરી 70 હજાર રોકડા, સોનાની બૂટી અને મોબાઈલ ફોન પડાવી લેતા સમાજ માટે લાલબતીરૂપ આ કિસ્સામાં સગીરાના માતાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.આજના વાલીઓ અને સમાજ માટે લાલબતીરૂપ આ કિસ્સાની વિગત જોઈએ તો મોરબી તાલુકાના રફળિયા ગામે રહેતા આરોપી મિતલ સોલંકી અને ગ્રીનચોકમાં મોચીશેરીમાં રહેતા કિશન રમેશભાઇ કૈલા નામના શખ્સોએ 13 વર્ષની સગીરા સાથે મોબાઈલ ફોનના માધ્યમથી સંપર્ક કેળવી મિત્રતા કરી હતી. બાદમાં બન્ને શખ્સોએ સગીરાના ભોળપણનો લાભ ઉઠાવી સાંઇબાબાના મંદીરે બોલાવી તેની સાથે બળજબરીથી સેલ્ફી લઇ અભદ્ર માંગણી કરી હતી. આટલેથી જ નહીં અટકતા માતાપિતાના સંસ્કારોને લજવનાર બન્ને આરોપીઓએ સગીરાને વીડિયોકોલ કરી નગ્ન થવા મજબુર કરી બિભિત્સ વીડિયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું.બીજી તરફ સગીરા બન્ને આરોપીઓના ચક્રમાં ફસાઈ જતા રફળિયા રહેતા આરોપી મિતલ સોલંકી અને ગ્રીનચોકમાં મોચીશેરીમાં રહેતા કિશન રમેશભાઇ કૈલાએ સગીરાને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને કટકે-કટકે રૂપિયા 70 હજારની રકમ પડાવી લીધા બાદ સગીરાની કાનમાં પહેરવાની બુટી તેમજ ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન પણ પડાવી લેતા બનાવ અંગે સગીરાના માતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને નરાધમ શખ્સ વિરુદ્ધ આઇપીસી કલમ 384, 354 (A), 354 (D), 506 (R), 114 અને પોક્સો એક્ટ 2012ની કલમ 12, 17, 18 મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.