મકરાણીવાસમાં રહેતા શખ્સ વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના ઘુટુ ગામે રામકો વિલેજ સોસાયટી ખાતે રહેતા અને બાંધકામ સાધનો ભાડે આપતા મહિલાએ મકરાણીવાસમાં રહેતા શખ્સ વિરુદ્ધ ખોટું નામ ધારણ કરી બાંધકામ સાધનો ભાડે મેળવી સામન તેમજ ભાડાની લાખો રૂપિયાની રકમ નહીં આપવા બદલ મોરબી તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુટુ ગામે રામકો વિલેજ સોસાયટી ખાતે રહેતા અને બાંધકામ સાધનો ભાડે આપવાનો વ્યવસાય કરતા અરૂણાબેન નારણભાઇ ચૌહાણે મોરબી તાલુકા પોલીસ મથકમાં મોરબીના મકરાણીવાસમાં રહેતા આરોપી ઈદ્રીશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી ઈદ્રીશભાઈએ પોતાનું નામ રમેશભાઈ પટેલ હોવાનું જણાવી બાંધકામ માટેના લોખંડના ફરમા 211 કિંમત રૂપિયા 1,05,500 લાકડાની વાલપ્લેટ નંગ 29 કિંમત રૂપિયા 10,000, લાકડાના ટેકા 71 નંગ કિંમત રૂપિયા 10 હજાર, સિમેન્ટ-કોંક્રેટ બનાવવાનું મિક્સર કિંમત રૂપિયા 70 હજાર સહિત 1,19,500નો માલ તેમજ ભાડાના રૂપિયા 25 હજાર નહીં ચૂકવી છેતરપિંડી કરી હોવાનું જાહેર કરતા પોલીસે વિશ્વાસઘાત કરનાર ઈદ્રીશભાઈ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.