દુર્ઘટના સ્થળ એવા ઝૂલતા પુલના છેડે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવીના મુખેથી જ્ઞાનયજ્ઞનું રસપાન કરાવાશે મોરબી : મોરબીમાં 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓની શાંતિ માટે દુર્ઘટનાની વરસીએ આગામી તા.24થી 30 ઓક્ટોબરના રોજ દુર્ઘટના સ્થળ ખાતે મોરબીના સમાજ સેવકો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવી તેમજ રત્નેશ્વરી દેવી ભાવિકજનોને કથાનું રસપાન કરાવશે.મોરબીના સમાજ સેવક રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા અને અજયભાઇ વાઘાણી સહિતના આગેવાનો દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનાની વરસી નિમિતે દિવંગત આત્માઓની શાંતિ માટે આગામી તા.24થી 30 ઓક્ટોબરના રોજ ઝૂલતાપૂલના સામા છેડે મહાપ્રભુજી બેઠક પાસે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવી તેમજ રત્નેશ્વરી દેવી ભાવિકજનોને કથાનું રસપાન કરાવશે.કથામાં તા.24ના રોજ બપોરના 2 વાગ્યે અગ્નેશ્વર મહાદેવ મંદિરથી પોથીયાત્રા યોજાશે અને દરરોજ બપોરે 3થી 6 સુધી કથા યોજાશે.વધુમાં કથા આયોજનને લઈ આવતીકાલે તા.17ના રોજ સાંજે 5થી 6 જલારામ મંદિર ખાતે મહત્વની મિટિંગ યોજાનાર છે જેમાં નગરજનોને બહોળી સંખ્યામાં હાજર રહેવા અનુરોધ કરાયો છે. સાથે જ તા.30ના રોજ દિવ્યાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પણ આયોજન કરાયું છે.