વર્ષ 2008 સ્વીડનમાં આયોજીત વર્લ્ડ વોટર વીકમાં આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી મોરબી : વિશ્વમાં દર વર્ષે 15 ઓક્ટોબરના હાથ ધોવા પ્રત્યે લોકોમાં જાગરૂકતા વધારવા માટે ગ્લોબલ હેન્ડવોશિંગ ડે મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2008માં ગ્લોબલ હેન્ડ વોશિંગ પાર્ટનરશિપ દ્વારા કરવામાં આવી હતી.કોરોનાની જેવી મહામારી પછી લોકો પોતાના આરોગ્યની કાળજી લેવાની શરૂઆત કરી છે. ત્યારે દર વર્ષે 15 ઓક્ટોબરના ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે. આપણા હાથમાં અજાણતા કેટલી ગંદકી હોય છે જેને આપણે જોઇ શકતા નથી, જે કોઇ પણ વસ્તુનો સ્પર્શ કરવાથી, તેનો ઉપયોગ કરવો અને કેટલાય પ્રકારના રોજિંદા કામોના કારણે હોય છે. આ ગંદકી હાથ ધોયા વગર કંઇ પણ ખાવા-પીવાથી શરીરમાં પહોંચી જાય છે અને બીમારીઓને જન્મ આપે છે. વારંવાર હાથ ધોવાથી હાથોની ગંદકીથી થતી બીમારીઓ જેવી કે ડાયરિયા, આંખ અને ત્વચા સંબંધી બીમારીઓથી બચાવ થઈ શકે છે. જો કે કોરોના સંક્રમણની મહામારીએ હાથ ધોતાં રહેવાની પ્રવૃત્તિને વધુ આગળ વધારવાનું કામ કર્યું છે.શું ક્યારેય ગણતરી કરી છે કે આપણે દિવસ દરમિયાન કેટલી વખત હાથ ધોઈએ છીએ? સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે દરરોજ 10થી વધુ વખત હાથ ધોવા જોઈએ. જો કે વાયરસ, બેક્ટેરિયા અને અન્ય કીટાણુઓથી થતા ચેપથી બચવા માટે દરરોજ વારંવાર હાથ ધોવા જોઈએ. આપણે રોજીંદા જીવનમાં ભોજન બનાવતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા જોઈએ. ઉલટી અથવા ઝાડાથી બીમાર વ્યક્તિની સંભાળ પહેલાં અને પછી હાથ ધોવા જોઈએ. શરીર પર કોઈપણ ઘાની સારવાર કરતા પહેલા અને પછી હાથ ધોવા જોઈએ. શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તેમજ ડાયપર બદલ્યા પછી અથવા બાળકને સાફ કર્યા પછી હાથ ધોવા જોઈએ. નાક સાફ કર્યા પછી, ખાંસી અથવા છીંક આવે પછી તથા કોઈપણ પ્રકારના કચરાને સ્પર્શ કર્યા પછી હાથ ધોવા જોઈએ. પ્રાણીને સ્પર્શ કર્યા પછી, પ્રાણીનો ખોરાક અથવા પ્રાણીનો કચરો સાફ કર્યા બાદ પણ હાથ ધોવા જોઈએ. આમ તો હાથ ધોવા અથવા સાફ કરવા માટે કોઈ નિશ્ચિત સમય નથી, જ્યારે પણ હાથ ગંદા થઈ જાય અથવા કોઈ એવી વસ્તુને સ્પર્શ કરો, જેનાથી જીવાણુઓ થવાની સંભાવના હોય, ત્યારે હાથ સાફ કરવા જોઈએ. હાથને સાબુથી ધોઈ શકાય છે અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકાય છે. જો સાબુ, હેન્ડવોશ અને પાણી ઉપલબ્ધ ન હોય તો હાથને સાફ કરવા માટે ઓછામાં ઓછા 60% આલ્કોહોલ સામગ્રીવાળા હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ.વર્ષ 2008માં ગ્લોબલ હેન્ડવૉશિંગ પાર્ટનરશિપે સ્વીડનમાં આયોજિત વર્લ્ડ વૉટર વીકમાં આ દિવસની શરૂઆત કરી હતી. જેનો હેતુ સાબુથી હાથ ધોવા પ્રત્યે લોકોમાં જાગરૂકતા ફેલાવવાનો હતો. પાર્ટનરશિપ સમિતિના સભ્યોમાં કોલગેટ, પામોલિવ, FHI 360, પ્રૉક્ટર એન્ડ ગેમ્બલ, યૂનિસેફ, યૂનિલિવર અને વર્લ્ડ બેન્ક સામેલ હતા.