મહિલાઓની સુરક્ષા અને હાર્ટ એટેકના બનાવોને લઈને પોલીસ તેમજ એમ્બ્યુલન્સ સાથેની મેડિકલ ટીમ ખડેપગે રહેશેમોરબી : આવતીકાલથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે અને નવરાત્રીમાં માઁ શક્તિની આરાધના અને માં નવદુર્ગાના ગુણગાન ગાવા માટે દરેક શેરી મહોલ્લામાં મા આદ્યશક્તિની ભક્તિ કરવાનો અનોખો ઉમંગ જોવા મળી રહ્યો છે. નવરાત્રી પૂર્વે જ ગરબી મંડળના ચોક શણગાર સજી સજ્જ થયા છે અને શક્તિ સ્વરૂપ બાળાઓ પણ પોતાના રાસગરબાની રમઝટ બોલાવશે. આથી પ્રાચીન અને અર્વાચીન રાસોસત્વમાં પોલીસની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. મહિલાઓની સુરક્ષા અને હાર્ટ એટેકના બનાવોને લઈને પોલીસ તેમજ એમ્બ્યુલન્સ સાથેની મેડિકલ ટીમ ખડેપગે રહેશે.એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, અર્વાચીન અને પ્રાચીન ગરબીઓમાં પોલીસની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરાશે, આયોજકો સાથે મીટીંગ કરીને જાહેર રોડ ઉપર યોજાતી ગરબીને કારણે ટ્રાફિક ન થાય તેની ખાસ વ્યવસ્થા કરાઈ છે. મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ ખડેપગે રહેશે. મોડી રાત્રી દરમિયાન મહિલાઓને કોઈપણ જાતની તકલોફ ન પડે તે માટે સી ટીમ સહિતની પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. નવરાત્રીએ વાહન લઈને છાકટા બનતા તત્વો માટે પોલીસની ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે. પોલીસ ટીમોએ ફૂટ પેટ્રોલિંગ સાથે વાહનો માટે ખાસ ડ્રાઇવ ચલાવી હતી. જેમાં મોડીફાઇડ કરેલા સાયલેન્સર સાથેના 4 બુલેટ અને અન્ય 3 વાહન ડિટેઇન કર્યા હતા. આ સાથે 21 કારમાંથી બ્લેક ફિલ્મ હટાવી હતી. જો કે હજુ પણ પોલીસની આ ડ્રાઇવ યથાવત જ રહેવાની છે.જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, હાર્ટ એટેકના વધતા બનાવોને ધ્યાને લઇ ગરબીના આયોજકો, 108 એમ્બ્યુલન્સ, મોરબી મેડિકલ એસો. સાથે બેઠક કરી હતી. જેમાં જિલ્લામાં કુલ 12માંથી છ 108 એમ્બ્યુલન્સને મોટા આયોજન સ્થળે રાખવામાં આવશે. મેડિકલ એસો. દ્વારા પણ હોસ્પિટલમાં ટીમો અને ઘણા બધા આયોજકો દ્વારા એમ્બ્યુલન્સ ખડેપગે રાખવામાં આવશે. હાર્ટ એકેટના બનાવ બને તો તાત્કાલિક સારવાર મળી રહે એ માટે એમ્બ્યુલન્સ અને હોસ્પિટલમાં સ્પે. ડ્યુટી રાખવામાં આવી છે. આરોગ્ય અધિકારી કવિતા દવેએ કહ્યું હતું કે, આયોજકોએ આરોગ્ય બાબતે બધું મેનેજ કરવાનું હોય છે અને અમારે કાંઈ જ કરવાનું રહેતું નથી. અમારે ફક્ત મોનીટરિંગ કરવાનું છે. અને આ અંગે વધુ વિગતો મને ખબર નથી તેવો ઉડાવ જવાબ આપ્યો હતોશહેરની વચ્ચોવચ ગેસ્ટહાઉસ રોડ પર શક્તિ ચોકમાં યોજાતી સૌથી મોટી પ્રાચીન શક્તિ ગરબીના આયોજક ક્રિપાલસિંહે જણાવ્યું હતું કે, ગરબી પાસે 108 અને 3 ડોક્ટરોની ટીમ ખડેપગે રહેશે. આ ગરબીમાં 85 બાળાઓમાં એક મુસ્લિમ બાળા પણ રાસ ગરબે રમશે. 42 જેટલા રાસ રમાંડવામાં આવશે અને આ વખતે ફાયર રાસ અને ખમમાં રાસ અને અંગારા રાસ ઉમેરવામાં આવ્યો છે. જ્યારે અર્વાચીન રસોસત્વમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવના આયોજક દેવેનભાઈ રબારીએ કહ્યું હતું કે, ડોક્ટરોની ટીમ અને ગ્રીન કોરીડોર રાખવામાં આવ્યો છે. દરરોજ હેલ્થ અવરનેશ અંગે જુદા જુદા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાશે અને ખેલૈયાઓ અને જોવા આવનાર લોકોને સીપીઆર અંગેની ટ્રેનિંગ અપાશે અને ખાસ તમામ ધર્મની મહિલાઓ માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે.