શનિદેવની મહાદશા ચાલતી હોય તેમણે દાન, પૂજા, તર્પણ કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. મોરબી : હાલ શ્રાધ્ધપક્ષ ચાલી રહ્યો છે જેની આજે છેલ્લી તિથિ એટલે કે અમાસ છે, આજના દિવસને સર્વપિતૃ અમાસ પણ કહેવામાં આવે છે ત્યારે આ વર્ષે એક દુર્લભ સંયોગ બન્યો છે. જેમાં સર્વપિતૃ અમાસ શનિવારે આવતી હોવાથી શનિશ્વરી અમાસનો પણ સંયોગ બન્યો છે. શનિશ્વરી અમાસે જે લોકોને શનિદેવની મહાદશા ચાલતી હોય તેમણે દાન, પીપળાની પૂજા તેમજ તર્પણ કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. હિંદુ ધાર્મિક વિધિઓ અનુસાર પિતૃપક્ષ અથવા શ્રાધ્ધપક્ષએ પૂર્વજોને સમર્પિત સમયગાળો છે. એવું મનાય છે કે પિતૃપક્ષના પંદર દિવસના સમયગાળા દરમિયાન પૂર્વજો પૃથ્વી પર આવે છે તેથી આ સમય દરમિયાન મૃત આત્મા માટે શ્રાધ્ધ વિધિ કરવામાં આવે છે. ત્યારે આજે શ્રાધ્ધપક્ષનો છેલ્લો દિવસ એટલે કે સર્વપિતૃ અમાસનો દિવસ છે. આ તિથિએ તમામ જાણીતા- અજાણ્યા પૂર્વજોનું શ્રાધ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. ત્યારે ચાલુ વર્ષે સર્વપિતૃ અમાસની સાથે જ શનિશ્વરી અમાસનો સંયોગ બન્યો છે. આથી જે લોકોને શનિદેવની મહાદશા ચાલતી હોય તેમણે પીપળાની પૂજા, દાન, તર્પણ કરવાથી મહાદશાની અશુભ અસરો સમાપ્ત થાય છે અને અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. આજે આ દુર્લભ સંયોગ સર્જાતા શહેરના શનિ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. તેમજ પીપળાની પૂજા કરી પિતૃઓના આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતા.