સ્થાનિક રહેવાસીઓની વ્યાપક ફરિયાદ બાદ સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડયો મોરબી : મોરબીના ભડીયાદ વિસ્તારમાં સાયન્સ કોલેજ પાછળ મફતિયા પરામાં સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ એક શખ્સને ગિરફ્તમાં લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.મોરબીના ભડીયાદ વિસ્તારમાં દેશી-વિદેશી દારૂના દુષણે માઝા મૂકી છે ત્યારે તાજેતરમાં જ ભડીયાદ આસપાસની સોસાયટીના રહેવાસીઓ દ્વારા દારૂના દુષણને દૂર કરવા પોલીસતંત્ર સમક્ષ કરેલી રજૂઆતની અસર પડી હોય તેમ ગઈકાલે સીટી બી ડિવિઝન પોલીસે ભડીયાદ વિસ્તારમાં સાયન્સ કોલેજ પાછળ મફતિયા પરામાં દરોડો પાડી પડતર જમીનમાં દારૂનું ઉત્પાદન કરતા દીનેશભાઇ મગનભાઇ સોલંકીને દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લીધો હતો. વધુમાં પોલીસે દરોડા દરમિયાન 60 લીટર ગરમ આથો, 500 લીટર ઠંડો આથો, 30 લીટર દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો ગેસનો ચૂલો, બાટલો સહિત 3470નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.