મોરબી : વાંકાનેરના વતની સ્વ. લલીતભાઈ અમૃતલાલ મહેતાની સ્મૃતિમાં આત્મજ્યોત એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબી ખાતે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું.લલિતભાઈ સરસ્વતી શિશુમંદિર - વાંકાનેરના પ્રમુખ, સંઘના ખૂબ જૂના કાર્યકર્તા, ભૂતપૂર્વ રાજ્યસભાના સાંસદ, રાજકોટ નાગરીક બેંકના પૂર્વ એમ.ડી., વીવીપી એન્જિનિયરીંગ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી, વાંકાનેર ખાતે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ આંખની હોસ્પિટલ તેમજ ગૌશાળા સંચાલક હતા. તેમની સ્મૃતિમાં આત્મજ્યોત એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શક્ત શનાળાના સરસ્વતી શિશુમંદિર મુકામે વ્યાખ્યાનમાળા યોજાઈ હતી. જેમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જ્યંતિભાઈ ભાડેસીયા હાજર રહ્યા હતા. તેમણે શિક્ષણ સેવાવ્રતી સાધક વિષય પર વાત કરી હતી. સાથે સાથે પૂર્વમંત્રી તથા મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, આત્મજ્યોત એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જ્યંતીભાઈ રાજકોટીયા, લલિતભાઈના પુત્ર તુષારભાઈ તથા સંઘ તથા વિદ્યાભારતીના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.