મારી વ્યાસપીઠને માણસ નથી બદલવો,માનવીનાં વિચારો બદલવા છે : બદલાતા વિચારોને યાદ રાખીને વિદાય લઇ રહ્યો છું:મોરારિબાપુ. દિવ્યઅંજલિઓ સાથે થયો કથાવિરામ,૯૨૫મી કથા ૧૪ ઓક્ટોબરથી બરસાનાથી ગવાશે.મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ માટે મોરબીમાં આયોજિત રામકથાના આજે સમાપનના દિવસે કથાકાર મોરારીબાપુએ વ્યાસપીઠ ઉપરથી દુર્ઘટના પીડિત ખાનપર ગામના પરિવારના સભ્યની ખેલદિલી અને ઉદારદિલીની વાત્ત કરતા કહ્યું હતું કે, વ્યાસપીઠ ઉપરથી કહ્યા મુજબ તેઓ મોરબીના ખાનપર ગામે દુર્ઘટના પીડિત પરિવારની મુલાકાતે ગયા ત્યારે ઘરના મોભીએ કહ્યું હતું કે, મારું તો ગયું પણ એના બાળકો એના પરિવારની હાજરીમાં દિવાળી ઉજવે.... આ શબ્દો આજે બાપુએ વ્યાસપીઠ ઉપરથી કહેતા કહ્યું હતું કે, મારી વ્યાસપીઠને માણસ નથી બદલવો,માનવીનાં વિચારો બદલવા છે એટલે જ બદલાતા વિચારોને યાદ રાખીને આજે મોરબીથી વિદાય લઇ રહ્યો છુંમોરબી પુલ દુર્ઘટનાના દિવ્યાત્માઓને શ્રદ્ધાંજલિ હેતુ રામકથાના નવમા દિવસે એટલે કે આજે પૂર્ણાહુતિ દિવસે મુખ્ય મનોરથી મોહનભાઈ કુંડારીયાએ સ્મૃતિચિહ્ન આપી વ્યાસ વંદના બાદ પોતાના મનોભાવો પ્રગટ કર્યા હતા નવ દિવસ સુધી સુચારું સંચાલન સંભાળતા નીતિન વડગામાએ રમેશ પારેખની પંક્તિ મૂકતા કહ્યું કે, મન બહુ થાય છે વરસાદમાં નીકળવાનું, બધાના ભાગ્યમાં હોતું નથી પલળવાનું.સદગુરુ કબીર સાહેબની તમામ સમાધિઓને વંદન કરીને બાપુએ કહ્યું કે પરમની કૃપા અને સદભાવ પૂર્વકનો પુરુષાર્થ,કોઈ જગ્યાએથી કોઈ ફરિયાદ નથી એ માટે પ્રસન્નતા વ્યક્ત કરી.બાપુએ કહ્યું કે મારી વ્યાસપીઠને માણસ નથી બદલવો,માનવીનાં વિચારો બદલવા છે.આથી વ્યાસપીઠ અવિશ્રામ નિરંતર ગતિ કરે છે. વિચારોમાં બદલાવ આવી રહ્યો છે એની વાત કરતા મોરારી બાપુએ કહ્યું કે, મોરારીબાપુ બધે નહીં પહોંચી શકે,તેની સંવેદના જરૂર પહોંચશે.બે ત્રણ ઉદાહરણ આપતા બાપુએ કહ્યું કે દુર્ઘટના પીડિત પરિવારને મળવાની તેમની ઈચ્છાને લઇ મનોરથી મોહનભાઇ સાથે તેઓ ખાનપર ગામે ગયા હતા જ્યાં એક જ પરિવારના 13 -13 સભ્યો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.ત્યાં ભાઈએ આંખમાં આંસુ સાથે કહ્યું કે મારું સમગ્ર આ દુર્ઘટનામાં ચાલ્યું ગયું કદાચ અદાલતની અંદર એ માટે દંડ અને સજાના કેસ ચાલતા હશે, મારું તો ગયું પણ એના બાળકો એના પરિવારની હાજરીમાં દિવાળી ઉજવે-એવું જેના ઘરમાં આંસુ સિવાય કંઈ નથી બચ્યું એવો માણસ કહેતો હતો-આ વિચારોનો બદલાવ છે. રામાયણ કહે છે કે તમારા મનના સંકલ્પો જાહેર ન કરો,આચરી બતાવો.પણ દેશ,કાળ પ્રમાણે ક્યારેક બોલવું પડે છે.હનુમાનજીની પ્રસાદી શ્રદ્ધાંજલિનાં રૂપે મોકલતા હોઈએ છીએ.ઉચ્ચાર નહીં આચરી બતાવવું,પણ પ્રેરણા માટે આવું કરતા હોઈએ છીએ ગાંધીજી એક જ વાક્ય બોલે ને આખો દેશ જાગૃત થાય એ શબ્દોની પાછળ ધરબાયેલું સત્ય હશે.વધુમાં બાપુ ઉમેરે છે કે, શિવ સંકલ્પ એ છે કે એકવાર બોલ્યા પછી એમાં ડગી ન જઈએ.અહીં પણ મને કહેવામાં આવ્યું કે મોરબી ઘટના વખતે આપે જે પ્રસાદી મોકલી,અમને ન આપો પણ ભેગા થઈને વધારે કંઈક ઉમેરીને પાછા આપીએ આપ એનો સદુપયોગ કરજો, આ પણ વિચારો બદલાયા છે,નોંધનીય છે અને એક સાધુ તરીકે એની નોંધ લઈ અને હું જઈ રહ્યો છું.કોઈ એમ પણ કહે કે મોરબીમાં દર 21 વર્ષે આવું થયા કરે છે.આવી ખોટી કલ્પના પણ ન કરતા.નથી ઈચ્છતા એવો વિચાર પણ ન કરવો.બદલાતા વિચારોને યાદ રાખીને વિદાય લઇ રહ્યો છું.તુલસીજીએ દુર્વાદ,વિવાદ,અપવાદ દૂર કરી સંવાદી સાધુ તરીકે સંવાદ જ યાદ રાખ્યો છે.બાપુ કથામાં છેલ્લે કહે છે કે, ગરુડ કાગભુષંડીને સાત પ્રશ્ન પૂછે એ સાતેય કાંડનો સાર છે.સૌથી દુર્લભ શરીર કયું?એ બાલકાંડનો સાર છે.મોટામાં મોટું દુઃખ?મોટામાં મોટું સુખ?પુણ્ય અને પાપ,સંત અને અસંતમાં ભેદ તેમજ માનસિક રોગો વિશે-આમ કુલ સાત પ્રશ્નો કર્યા છે. આ જગતમાં આટલા જીવજંતુની યોનીમાંથી શ્રેષ્ઠ શરીર મનુષ્યનું શરીર છે.ક્યારેક કર્મને લીધે મળ્યું જો કે આપણા કર્મથી આવું મળે એના કરતાં કરુણા કરીને પરમાત્માએ આપેલી આ ગિફ્ટ છે.મોટામાં મોટું દુઃખ દરિદ્રતા છે.પૈસા,મકાન,કપડા ન હોય એ રીતે દરિદ્ર તો હોઈએ જ,પણ બધું હોવા છતાં ઈમાનદારી,પ્રમાણિકતા ન હોય એ પણ દરિદ્રતા છે. શાસ્ત્ર આંતર અને બાહ્ય બંને રીતે વાત કરતું હોય છે ગાંધીજીનો શબ્દ-દરિદ્રનારાયણ આપ્યો. સાધુના મિલન જેવું કોઈ સુખ નથી.મોટામાં મોટું પુણ્ય? શરીરના રોગ માટે માણસ બહુ ગંભીર પણ છે પણ મનના રોગ માટે ગંભીર નથી,એક પક્ષી મનના રોગ વિશે પૂછે છે.બધા રોગોનું મૂળ મોહ છે.મોહમાંથી પ્રગટેલા ત્રણ રોગ:કામ લોભ અને ક્રોધ છે. કામ વાત વાયુનો રોગ છે,લોભ એક કફ છે,ક્રોધ એ પિત્ત છે.કામ અને ક્રોધ વખત જતા ઓછા થાય છે કફ અપાર છે.લોભ પણ અપાર છે.આ ત્રણે એક સ્થળે રહે ત્યારે સન્નિપાત નામનો રોગ થાય છે.મનના રોગનો વૈદ સદગુરુ છે.પરમાત્માનું ભજન મોટામાં મોટી સંજીવની છે અને શ્રદ્ધા એ દવા સાથે રાખવાનું અનુપાન છે.બાપુએ કહ્યું કે કથા રોજે-રોજ નવી હોય છે કથામાં અતૃપ્તિ એ જ તૃપ્તિ છે.બધા જ આચાર્યોની છાયામાં કથાને વિરામ આપીને આ રામ કથાનું સુફળ-સુકૃત દિવંગતોને સમર્પિત કરવામાં આવ્યું.આગામી-925મી રામકથા નવરાત્રિનાં પાવન પવિત્ર દિવસોમાં શ્રી રાધાબિહારી ઇન્ટર કોલેજ, બરસાના(મથુરા-ઉ.પ્ર)થી ૧૪ ઓક્ટોબર શનિવાર સાંજે 4 વાગ્યાથી શરુ થશે.શેષ દિવસોમાં સવારે 10થી નિયમિત સમય મુજબ આસ્થા ટીવી ચેનલ અને ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલનાં માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળી શકાશે.