વર્ષ 2021 થયેલ હત્યા કેસમાં નામદાર મોરબી અદાલતનો ચુકાદો : બે આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી : મોરબીના નવલખી બંદરે કોલસાની કંપનીમાં લોડિંગ વિભાગમાં કામ કરતા મોટા દહીસરા ગામના ક્ષત્રિય યુવાનને કોલસાની ટ્રક ભરવાની માથાકૂટમાં વર્ષ 2021માં છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવાના કેસમાં નામદાર મોરબી અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી અન્ય બે આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.આ કેસની વિગત જોઈએ તો ગત તા.22/02/2021ના રોજ માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા અને નવલખી બંદરે વાસુકી કોલ નામની કંપનીમાં લોડિંગ વિભાગમાં કામ કરતા દશરથસિંહ ભગવતસિંહ જાડેજાને ટ્રકમાં કોલસો ભરવા મામલે આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા તેમજ મયુરસિંહ રણજીતસિંહ જાડેજા સાથે બોલાચાલી થયેલ હોય જેનું મનદુઃખ રાખી આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા તેમજ મયુરસિંહ રણજીતસિંહ જાડેજાના ક્હેવાથી ક્રેટા કારમાં આવેલા સૂર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજા રહે,મોટા દહીસરા ગામ વાળાએ છરીના આડેધડ ઘા ઝીકી દશરથસિંહ ભગવતસિંહ જાડેજાનવા જીવલેણ ઇજા પહોંચાડી હત્યા નિપજવતાં આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ કિરીટસિંહ ભગવતસિંહ જાડેજાએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન આ ચકચારી કેસ નામદાર મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા દસ મૌખિક અને 37 દસ્તાવેજી પુરાવાઓ તેમજ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો ધ્યાને લઈ નામદાર અદાલતે આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા તેમજ મયુરસિંહ રણજીતસિંહ જાડેજાને નિર્દોષ છોડી મુકવા હુકમ કરી આરોપી સૂર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજા રહે,મોટા દહીસરા ગામ વાળાને આજીવન કેદની સજા ફટકારી બે લાખનો દંડ ભરવા હુકમ કરી દંડની રકમ મૃતકના વારસદારોને ગુજરાત વિકટીમ કમ્પૅઝીશેન સ્કીમ અન્વયે ચૂકવવા આદેશ કરી દંડ ભરવામાં કસૂર કરે તો આરોપીને વધુ ત્રણ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.