જયસુખભાઈએ વિરાસત બચાવવા ઝૂલતા પુલ પાછળ પૈસા ખર્ચ કર્યા હતા, તેમાંથી કોઈ કમાવવાનો આશય ન હતો, કમનસીબે દુર્ઘટના બની ગઈ : પૂર્વ ધારાસભ્યએ જયસુખ પટેલના સમર્થનમાં આપ્યું નિવેદન મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપનીને હાઇકોર્ટે જવાબદાર ઠેરવી છે. ત્યારે જયસુખભાઈ પટેલ નિર્દોષ છે અને સરકાર તેને ફિટ કરી રહી છે. તેવું ટંકારા- પડધરીના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ નિવેદન આપ્યું છે. પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ જણાવ્યું કે ઝૂલતા પુલ દુર્ઘટના ત્યારથી મારી એક જ વાત હતી કે સરકાર આ ઘટનામાં જયસુખભાઈને હોળીનું નાળિયેર બનાવી રહી છે. મેં ત્યારે પણ કીધું હતું કે જયસુખભાઈ નિર્દોષ છે દોષીઓને પકડો. જે તે સમયના કલેકટર, જે તે સમયના ચીફ ઓફિસર, જેમને પરમિશન આપી તે લોકો સામે આજ તારીખ સુધી કોઈ કાર્યવાહી થતી નથી. એસઆઇટી એટલે કોણ ? આ તો ગુજરાત સરકારે રચેલી કમિટી છે. આ એસઆઇટી જે ધારે તે તપાસ કરી શકે. તેની તપાસમાં જયસુખભાઈને દોષી બતાવ્યા છે.વધુમાં લલિતભાઈએ જણાવ્યું કે જયસુખભાઈને કોઈ ટિકિટના અભરખા ન હતા. તેઓએ અને તેમના પિતાએ કરોડોના દાન કર્યા છે. આમાંથી કઈ કમાવવાનો મોટિવ ન હતો. ઝૂલતો પુલ મોરબીને વારસામાં મળ્યો છે. તેની અસ્મિતાને બચાવવા માટે તેઓએ પૈસા ખર્ચ કર્યા હતા. અને મોરબીને ભેટ આપી હતી. કમનસીબે આ દુર્ઘટના બની હતી. અંતમાં લલિતભાઈએ ઉદાહરણ આપતા કહ્યું કે કોઈ દાતા કરોડો આપી હોસ્પિટલ બનાવે અને તેમાં આગ લાગે અને માણસો મરી જાય તો દાન દેવા વાળા દાતાનો વાંક ? સરકાર ખોટી રીતે જયસુખભાઈને ફિટ કરી રહી છે. જયસુખભાઈ નિર્દોષ છે.