મશ્કરીએ ઝઘડાનું રૂપ ધારણ કરી લેતા યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો મોરબી : મોરબીમાં મિત્ર - મિત્ર વચ્ચે ચાલતી મશ્કરીએ ઉગ્ર રૂપ ધારણ કરી લેતા મિત્રએ મિત્રને જ જાતિ પ્રત્યે અપમાનિત કરી છરીનો ઘા ઝીકી દેતા ઈજાગ્રસ્ત યુવાનને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે અને બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઈન્દિરા નગર વિસ્તારમાં રહેતા અને સીરામીક ફેકટરીમાં કામ કરતા રતીલાલભાઈ ઉર્ફે અતુલભાઈ નાનજીભાઈ સોલંકી ગત તા.4ના રોજ રાત્રીના સમયે સીરામીક ફેકટરીએ કામેથી આવી મિત્ર સાથે શીવમ હોસ્પીટલ બાજુમા,ચાની કેબીન પાસે ઉભા હતા ત્યારે ફરિયાદી રતીલાલભાઈ ઉર્ફે અતુલભાઈ નાનજીભાઈ સોલંકીનો મિત્ર રવિભાઈ છગનદાસ નિમાવત પણ ત્યાં હાજર હોય તેને રતીલાલભાઈ ઉર્ફે અતુલભાઈની મશ્કરી કરી હતી જેથી રતિલાલભાઈએ મશ્કરી કરવાની ના પાડતા રવિભાઈ છગનદાસ નિમાવત ઉશ્કેરાઈ ગયો હતો અને જાતિ પ્રત્યે અપમાનિત કરી પોતાની પાસે રહેલી છરી વડે જમણા ખંભા પાસે એક ઘા મારી દેતા રતિલાલભાઈને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે સીટી બી ડિવિઝન પોલીસે એટ્રોસીટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.