ભાવ ઓછા મળશે તો ખેડૂતોને દવા પીવાની નોબત આવશે તેવી હૈયાવરાળ ઠાલવીમોરબી : મોરબી પંથકમાં આ વખતે શરૂઆતમાં સારા વરસાદ પછી પાછોતરા વરસાદમાં કપાસના પાકને નુકશાન થતા બહુ જ ઓછો કપાસ થયો છે. આજે મોરબીના માર્કેટીંગ યાર્ડમાં ઠલવાયેલા કપાસના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ગયા વર્ષે 2 હજાર જેટલો મળ્યો હતો જે આ વર્ષે 1360 રૂપિયાનો કપાસનો ભાવ મળતા વાવેતરનો ખર્ચો માથે પડ્યો હોય ભાવ ઓછા મળશે તો ખેડૂતોને દવા પીવાની નોબત આવશે તેવી હૈયાવરાળ ઠાલવી હતી.મોરબીના માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા એક અઠવાડિયાથી કપાસની આવક શરૂ થઈ છે. ખેડૂતો મોટા પ્રમાણમાં કપાસ લઈને આવતા આજે 2050 કવિટંલ કપાસની આવક થઈ હતી. પણ ખેડૂતોને કપાસનો ભાવ પૂરતો મળ્યો ન હોવાનો ખેડૂતોએ બળાપો ઠાલવ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ વખતે શરૂઆત સારો વરસાદ પડ્યો હતો. પણ પછી દોઢ મહિના સુધી વરસાદ થયો ન હોય ઉપરથી કેનાલમાંથી પાણી ન મળતા ગત વખત કરતા આ વખતે ઘણો ઓછો કપાસનો પાક થયો છે. તેમાંય હમણાં છેલ્લે વરસાદ થયો હોય ત્યારે કપાસના છોડ તૈયાર થઈ ગયા હોય આ પાછોતરા વરસાદથી કપાસના ફાલ ઉતરી ગયા છે અને કપાસનો પાક બળી ગયો છે. દર વખતે સરેરાશ એક ખેડુતને 35 થી 40 મણ કપાસનો પાક ઉતરતો હોય એની સામે આ વખતે વરસાદને કારણે 15 થી 20 મણ જ કપાસ ઉતર્યો છે.યાર્ડમાં કપાસ વેચવા આવેલા ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે, એક તો કપાસનો પાક ઓછો ઉતર્યો હોય ઉપરથી માર્કેટીંગ યાર્ડમાં ઓછો ભાવ મળતા ખેડૂતોને દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ સર્જાઈ છે. કપાસનો ભાવ 2 હજારથી વધુ મળવો જોઈએ એની સામે 1360 જેટલો જ ભાવ મળતા 500 રૂપિયાની ખોટ થઈ છે. એક વિધે ખેડૂતોને કપાસના વાવેતરમાં દવા, બિયારણ, મજુરી બધું મળીને 13 હજાર રૂપિયા જેટલો ખર્ચ થયો હોય યોગ્ય ભાવ ન મળતા નફાની વાત બાજુએ રહી પણ વાવેતરનો ખર્ચો પણ નીકળ્યો નથી. સુલતાનપુરના ખેડૂતે ત્યાં સુધી જણાવ્યું હતું કે, પાછોતરા વરસાદથી કપાસના પાકને મોટી નુકશાની થઈ હોય ઉપરથી કપાસના ભાવ ગગડી જતા ખેતી વેચવી પડે કે દવા પીવી પડે તેવા સંજોગો ઉભા થયા છે.યાર્ડના સેકેટરીએ જણાવ્યું હતું કે, પાકમાં નુકશાની થઈ છે. પણ હાલ ખેડૂતોને કપાસનો યોગ્ય જ મળી રહ્યો હોવાનો જણાવ્યું હતું .આ ઉપરાંત મગફળી, તલ, કઠોળ સહિત બીજા પાક ઓછા આવ્યા છે. જયારે મગફળીનો ભાવ 1450 આસપાસ રહેતો હોવાનું જણાવ્યું હતું