સામાજિક કાર્યકરે ચીફ ઓફિસરને રજુઆત કરી પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ કરીમોરબી : મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ વિસ્તારોમાં સતત પાણી ભરાય રહેતું હોય અને ઉપરથી ઝાડી ઝાંખરા ઊગી નીકળતા સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. તેમજ પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોય લોકોને ભારે હાલાકી પડતી હોવાથી સામાજિક કાર્યકરે ચીફ ઓફિસરને રજુઆત કરી પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ કરી છે.સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ જણાવ્યું હતું કે, દલવાડી સર્કલ નજીક સ્વામીનારાયણ મંદિર પાછળ તુલસી પાર્કની બાજુમાં આવેલ મનુભાઈ પાર્ક વોર્ડ નંબર 11માં આવે છે. અહીં અંદાજે 60 જેટલા પ્લોટ હતા. તેમાં હાલ 40 જેટલા રહીશો મકાન બનાવીને રહે છે. હાલ જે ખાલી પ્લોટ પડ્યો છે, એમાં સતત પાણી ભરાયેલું રહે છે. આ પાણીમાં લીલો શેવાળ જામી ગયો છે. તેમજ ઘાસ પણ ઊગી નીકળ્યું છે. આથી આ વિસ્તારના લોકોને અહીંથી ચાલવામાં અગવડતા પડે છે. આ ઉપરાંત આ વિસ્તારમાં લાઈટ, પાણી, ભૂગર્ભ ગટર, રોડ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી લોકોને ભારે હાલાકી પડે છે.આથી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આપવાની સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.