જે પૂર્વજોની મૃત્યુ તિથિ અજાણ છે તે બધા પૂર્વજો તેમના માટે અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કરે છેમોરબી : પૂર્વજોના આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે. તર્પણ કરવા માટે હિંદુ મહિનાઓમાં પંદર દિવસ નક્કી કરવામાં આવ્યા છે. જેને શ્રાદ્ધ પક્ષ કહે છે. ભાદરવા વદ એકમથી અમાસ સુધી શ્રાદ્ધ પક્ષ હોય છે, પૂર્વજોનું શ્રાદ્ધ જે તિથિએ આવતું હોય તે તિથિએ સવારે ખીર-પૂરીની કાગડાઓને વાશ નાખવામાં આવે છે. શાસ્ત્રોમાં પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે.પિતૃઓના આત્માની તૃપ્તિ માટે શ્રદ્ધાપૂર્વક જે અર્પણ કરવામાં આવે છે, તે શ્રાદ્ધ છે. સદગતના નામ અને ગોત્રના નામનું ઉચ્ચારણ કરીને મંત્રો દ્વારા શ્રાદ્ધ કરવામાં આવે છે. કર્મકાંડ અંતર્ગત “પિતૃયજ્ઞ'નો ઉલ્લેખ મળે છે. આ પિતૃયજ્ઞને જ શ્રાદ્ધ કહે છે. પ્રાચીનકાળથી જ મનુષ્યોમાં શ્રાદ્ધ પ્રત્યે અગાધ શ્રદ્ધા રહેલી છે. જે લોકો શાસ્ત્રોકત વિધિથી શ્રાદ્ધ ન કરી શકે તેમણે ઓછામાં ઓછું એક વર્ષમાં એક વાર પિતૃપક્ષ (ભાદરવા વદ)માં તો અવશ્ય પોતાના પૂર્વજોને શ્રદ્ધાપૂર્વક તર્પણવિધિ કરીને તેમના આત્માને શાંતિ આપવી જોઇએ. કહેવાય છે કે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તે સૌથી પહેલાં કાગડાનો જન્મ લે છે. કાગડાઓને ખાવાનું ખવડાવવાથી પિતૃઓને ભોજન પહોંચે છે. આ જ કારણ છે કે શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓનું વિશેષ મહત્ત્વ છે અને દરેક શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને જમાડવા માટે સૌથી પહેલાં કાગડાઓને ખવડાવવામાં આવે છે. જે વ્યક્તિ શ્રાદ્ધ કર્મ કરી રહી હોય તે એક થાળીમાં બધી જ વાનગીઓ ખાસ કરીને ખીર અને પૂરી લઈને છત પર જાય છે અને ત્યાં કાગવાશ બોલીને તેમને ખીર-પૂરી ખવડાવવામાં આવે છે. જ્યારે કાગડો છત પર આવીને કાગવાશ ખાય ત્યારે પિતૃઓ પ્રસન્ન છે તેવું માનવામાં આવે છે.આ વર્ષે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બર, 2023થી શરૂ થઈ રહ્યો છે. શ્રાદ્ધ 15 દિવસ પછી 14 ઓક્ટોબર, 2023 ના રોજ સમાપ્ત થશે. પિતૃ પક્ષ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને અશ્વિન મહિનાની અમાવાસ્યા સુધી ચાલુ રહે છે. આને સર્વ પિતૃ અમાવસ્યા કહે છે. જે પૂર્વજોની મૃત્યુ તિથિ અજાણ છે તે બધા પૂર્વજો તેમના માટે અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કરે છે.