60- 60 લાખ ખર્ચીને ફ્લેટ લેનારા 125 પરિવારોને પંચાયત એક વર્ષથી પાણી ન આપતા આજે મહિલાઓએ ધીરજ ગુમાવી બોરના પાણી ખારા પડી જતા એક એક ફ્લેટ ધારકને મહિને બેથી ત્રણ હજાર રૂપિયાનું પાણી વેચાતું લેવું પડતું હોવાની ગૃહિણીઓએ હૈયા વરાળ ઠાલવી મોરબી : મોરબીના રવાપર ગ્રામ પંચાયત હેઠળ આવતા એસપી રોડ ઉપર લાખો રૂપિયાના ખર્ચે ફ્લેટ લેનારા ફ્લેટ ધારકોને ગ્રામ પંચાયત પીવા -વાપરવા માટે છેલ્લા એક વર્ષથી અનેક રજુઆત બાદ પણ પાણી ન આપતી હોય આજે આ વિસ્તારમાં વસવાટ કરતા મહિલાઓએ ધીરજ ગુમાવી રવાપર ગ્રામ પંચાયતમાં હલ્લાબોલ મચાવી હતી, મહિલાઓએ ગ્રામ પંચાયતમાં હાજર કર્મચારીનો ઉધડો લઈ મત લેવા તો હાયલા આવો છો પાણી કેમ નથી આપતા કહી તાકીદે પાણી આપવા માંગ કરી હતી અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.મોરબીની રવાપર ગ્રામ પંચાયત હેઠળ આવતા એસપી રોડ ઉપર મશાલની વાડી પાસે વી-8 રેસીડેન્સી નામના વિસ્તારમાં આઇશ્રી હાઈટ્સ, વૃંદાવન અને શિવોહમ રેસિડેન્સી આવેલી છે જ્યાં છેલ્લા એક વર્ષથી પીવા - વાપરવા માટે ગ્રામપંચાયત દ્વારા પાણી આપવામાં આવતું નથી. વધુમાં આ મામલે વિગતો આપતા સ્થાનિક રહેવાસી દિલીપભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, અહીંના રહેવાસીઓએ રૂપિયા 60 લાખ જેટલી રકમ ચૂકવી ફ્લેટ લીધા છે. અહીં શરૂઆતમાં ઓછી વસ્તી હોય પાણીનો પ્રશ્ન ન હતો પરંતુ હાલમાં 125 જેટલા પરિવારો વસવાટ કરતા હોય પાણીની હાડમારી સર્જાઈ છે,વધુમાં બિલ્ડરોએ પણ આ ત્રેણય રેસિડેન્સીમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે નળ કનેક્શન મેળવ્યા ન હોય ઉપરાંત અત્યાર સુધી બોરના પાણીથી ગાડું ગબડાવત ફ્લેટ ધારકોને હાલમાં બોરના પાણી ખારા થઇ જવાથી આ પાણીનો વપરાશ કરતા ચામડીના રોગનો શિકાર થઇ રહ્યા હોવાનું તેમને ઉમેર્યું હતું. જો કે આજે ધીરજ ગુમાવી દેનાર મહિલાઓએ સામુહિક રીતે ગ્રામ પંચાયતમાં ધસી જઈ હંગામો મચાવી તાકીદે પાણી આપવા માંગ ઉઠાવી હતી.ઉલ્લેખનીય છે કે એસપી રોડના રહેવાસીઓ દ્વારા અગાઉ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા અને ગ્રામ પંચાયતને રજુઆત કરાઈ હોવા છતાં પણ આજદિન સુધી પાણી પ્રશ્નનો ઉકેલ ન આવતા આજે દરેક ફ્લેટ ધારકોને મહિને 2થી 3 હજાર રૂપિયા પાણીના ટેન્કર માટે ખર્ચ કરવા પડતા હોવાનું મહિલાઓએ રોષભેર જણાવી જો આગામી દિવસોમાં પાણીપ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડવા ચીમકી ઉચ્ચારી હતી. જો કે, પાણી પ્રશ્ને રવાપર ગ્રામ પંચાયતના સરપંચનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમનો મોબાઈલ નો-રીપ્લાય થયો હતો.