કચ્છના ત્રણ વાહનોની ચોરીના ભેદ ખુલ્યા : આઠ ચોરાઉ બાઈક કબ્જે કરી અન્ય પાંચ આરોપીઓના નામ ખોલાવતી પોલીસ મોરબી : મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે બાતમીને આધારે હળવદ તાલુકાના ગોલાસણ ગામેથી વાહનચોર ગેંગના લીડરને આઠ ચોરાવ મોટરસાયકલ સાથે દબોચી લઈ કચ્છ જિલ્લાની ત્રણ વાહન ચોરીનો ભેદ ખોલી નાખવાની સાથે આ વાહનચોર ગેંગના પાંચ સભ્યોના નામ ખોલાવવામાં સફળતા મેળવી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના પીઆઇ ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એચ.ચુડાસમા, કે.એચ.ભોચીયા સહિતની ટીમ કાર્યરત હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ કણોતરા, કોન્સ્ટેબલ ભરતભાઈ જીલરીયા, દશરથસિંહ પરમાર અને તેજસભાઈ વિડજા સહિતની ટીમને બાતમી અમલી હતી કે હળવદ તાલુકાના ગોલાસણ ગામનો કરશનભાઇ ભરતભાઈ રાતૈયા નામનો શખ્સ ચોરાઉ બાઈક લઈને આંટાફેરા કરે છે જે બાતમીને આધારે આરોપીને દબોચી લેતા આરોપીએ વટાણા વેરી નાખી આવા એક બે નહીં પણ આઠ - આઠ ચોરાઉ મોટરસાયકલ કાઢી આપતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.વધુમાં વાહનચોરીના આ ચોંકાવનારા બનાવનો પર્દાફાશ થવાની સાથે પોલીસના હાથે ઝડપાયેલા આરોપી કરશનભાઇ ભરતભાઈ રાતૈયા વાહનચોર ગેંગમાં સામેલ અન્ય આરોપીઓની સંડોવણી કબૂલી આરોપી અમિત જગદીશભાઈ ઉકેડીયા, કિરણ મનુભાઈ સુરેલા, દીક્ષિત ઉર્ફે કાનો રાયધન સુરેલા રહે.ત્રણેય ગોલાસણ, આદર્શ ઉર્ફે આદુ દેવાભાઇ ઉર્ફે ચકુભાઇ ધેણોજા રહે.માટેલ અને વિશાલ મુળજી આતરેસા મૂળ રહે.ગાંધીધામ હાલ કાલિકા પ્લોટ મોરબી વાળાઓના નામ આપતા પોલીસે પાંચેય આરોપીઓને ફરાર દર્શાવી રૂપિયા 3 લાખના ચોરાઉ બાઈક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.