મોરબી : માળીયા તાલુકાના વવાણીયા નજીક આવેલ સોલ્ટ ફેકટરીમાં પ્રખ્યાત ટાટા કંપનીનું ડુપ્લીકેટ નમક પેક કરી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે ટાટા કંપનીના અધિકારીઓએ પોલીસને સાથે રાખી દરોડો પાડી ટાટા તાજા બ્રાન્ડ નમકની પ્લાસ્ટિકની ડુપ્લીકેટ કોથળીઓનો વિશાળ જથ્થો ઝડપી લઈ ફેકટરીના મેનેજર વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ દેશની પ્રખ્યાત ટાટા કંપનીના તાજા બ્રાન્ડ મીઠુ એટલે કે નમકનું મોરબી જિલ્લામાં ડુપ્લિકેશન થઇ રહ્યું હોવાની બાતમી મળતા ટાટા કંપનીના અધિકારી વિનોદકુમાર સોહનલાલ શર્મા, રહે. ચલેહલી બી 78 તા.ઘુમાર્વી જી.બીલાસપુર હીમાચલપ્રદેશ વાળાએ માળીયા પોલ્સને સાથે રાખી વવાણીયા ગામમાં આવેલ જયદીપ કેમ ફ્રુડ પ્રાયવેટ લીમીટેડ કંપનીમાં દરોડો પાડતા ફેક્ટરીમાંથી ટાટા કંપનીના ભળતા નામવાળી તાજા શક્તી પ્લાસ્ટીકની ખાલી બેગના 22 કટ્ટામાં 65 હજાર જેટલી ખાલી કોથળીઓ મળી આવી હતી.વધુમાં આ મામલે ટાટા કંપનીના અધિકારીએ ટાટા નમકનું ડુપ્લીકેટ પૅકિંગ કરવા સબબ જયદીપ કેમ ફ્રુડ પ્રાયવેટ લીમીટેડ કંપનીના મેનેજર કાનજીભાઇ નારણભાઇ ચાઉ તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ કોપી રાઇટ એક્ટ 1957 ની કલમ 63, 64 મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. હાલમાં પોલીસે ટાટા કંપનીની ડુપ્લીકેટ પ્લાસ્ટિકની બેગનો જથ્થો કબ્જે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરતા ચકચાર જાગી છે.