હળવદ : હળવદ તાલુકાના રાયસંગપર અને મયુરનગર ગામ વચ્ચે ગઈકાલે બપોરે ઝટકા મશીનના કારણે એક ગૌ માતાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ મામલે પોલીસને લેખિત અરજી પણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા હિંમતભાઈ બેચરભાઈની ગાય ગઈકાલે ચરવા ગઈ હતી. જોકે સાંજ થવા છતાં પણ ઘરે પરત ન આવતા શોધખોળ કરવામાં આવી રહી હતી. તેવામાં આજે રાયસંગપર અને મયુર નગર વચ્ચે આવેલ લાભુભાઈ શિરોયાના ખેતરમાં મુકેલ ઝટકા મશીનનો કરંટ લાગતા ગૌમાતાનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું.તો બીજી તરફ લોકોમાં એ પણ ચર્ચાઇ રહ્યું છે કે ગૌમાતાનું મૃત્યુ ઝટકા મશીનમાં ડાયરેક્ટ પાવર આપી દીધો હોવાના કારણે થયું છે.જેથી હિંમતભાઈએ આ બનાવની યોગ્ય તપાસ કરવા માટે અને ગૌમાતાના મોત પાછળ જવાબદાર સામે કાર્યવાહી કરવા માટે હળવદ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરી છે.