સગા સંબંધીએ ધંધામાં જરૂરત પડતા ઉછીના રૂપિયા આપ્યા બાદ આરોપીનો ચેક રિટર્ન થયો મોરબી : મોરબીમાં સગા સંબંધીએ સંબંધના નાતે ધંધામાં રૂપિયાની જરૂરત પડતા રૂપિયા 20 લાખ ઉછીના આપ્યા બાદ આરોપીએ આપેલો ચેક રિટર્ન થતા નામદાર મોરબી અદાલતે ચેક રિટર્ન કેસમાં આરોપીને બમણી રકમ ચૂકવવા આદેશ કરી એક વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો.આ કેસની ટૂંકી વિગત જોઈએ તો મોરબીના રહેવાસી કાંતિલાલ છગનલાલ કોટડીયાએ તેમના સગા સંબંધી એવા આરોપી હિતેશ કેશવજી કામરીયાને ધંધામાં રૂપિયાની જરૂરત પડતા સંબંધના દાવે રૂપિયા 20 લાખ વગર વ્યાજે ધંધાના હેતુ માટે હાથ ઉછીના આપેલા હતા બદલામાં આરોપીએ સિક્યુરીટી પેટે આપેલ ચેક કાંતિલાલ છગનલાલ કોટડીયાએ બેંકમાં જમા કરતા અપૂરતા નાણા ભંડોળને કારણે ચેક બાઉન્સ થયો હતો જેની જાણ કરવા છતાં નાણા વસુલ નહિ મળતા ફરિયાદી કાંતિલાલ છગનલાલ કોટડીયાએ ધ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે મોરબીના મહે. બીજા એડી.ચીફ.જ્યુડી. મેજી. સાહેબની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતોજે કેસ ચાલી જતા મોરબીના મહે. બીજા એડી. ચીફ.જ્યુડી. મેજી.સાહેબ ડી કે ચંદનાની સાહેબે આરોપી હિતેશ કેશવજી કામરીયાને એક વર્ષની કેદની સજા અને ચેકની બાકી નીકળતી રકમ રૂપિયા 20 લાખની ડબલ રકમ રૂપિયા 40 લાખનો દંડ તેમજ દંડમાંથી ફરિયાદીને ચેકની રકમ ફરિયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક 9 ટકા વ્યાજ સહીત ચૂકવી આપવા અને દંડ ભરવામાં કસુર થયે વધુ 90 દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી પક્ષે મોરબીના જાણીતા વકીલ હિરલ આર નાયક, નિશા એલ. વડસોલા અને પી.કે.કાટિયા રોકાયેલ હતા.