હળવદ કોર્ટ મુદતે આવ્યા બાદ દશામાના મંદીર પાસે રીક્ષાની રાહ જોતા હતા ત્યારે બનેલી ઘટના હળવદ : હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતા મહિલા અને તેના પુત્રીને બે જમાઈઓએ કોર્ટમાં કેસ કેમ કર્યો છે તેમ કહી કોર્ટ મુદત પતાવી ઘેર પરત ફરતા સમયે લાકડાના ધોકા વડે તેમજ ઢીકા પાટુનો માર મારતા બન્ને જમાઈ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતા શારદાબેન રમેશભાઇ વાઘેલા ઉ.40 નામના મહિલાએ હળવદ પોલીસ મથકમાં જાહેર કર્યું હતું કે તેમની મોટી પુત્રી હેતલ અને નાની પુત્રી સમતાના લગ્ન ઇશનપુર ગામના લક્ષ્મણભાઇ નરશીભાઇ બાલાસણીયા તથા મહેશભાઇ નરશીભાઇ બાલસણીયા સાથે કરવામાં આવ્યા હતા પરંતુ બન્ને દીકરીઓને મનમેળ ન હોય બન્ને દીકરીઓએ હળવદ કોર્ટમાં ભરણ પોષણનો કેસ કર્યો છે.દરમિયાન ગઈકાલે શારદાબેન તેમજ તેમની પુત્રી હળવદ કોર્ટની મુદતે આવી હળવદમાં ખરીદી કરી પરત જુના વેગડવાવ ગામે જવા માટે દશામાના મંદિર પાસે રીક્ષાની રાહ જોઈ ઉભા હતા ત્યારે આરોપી એવા બન્ને જમાઈ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે દશામાના મંદિર પાસે ધસી આવ્યા હતા અને કોર્ટ કેસ કેમ કર્યો તેમ કહી હવે તો તારી દીકરીને નહીં તને ઉપાડી જવી છે કહી શારદાબેનને લાકડાનો ધોકો ફટકારી સમતાબેનને ઢીકા પાટુનો માર માર્યો હતો.બાદમાં શારદાબેને આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં બન્ને જમાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.