ગત તા.17મીએ ઘરેથી રાંદલમાતાના કાર્યક્રમમાં જવાનું કહીને નીકળ્યા બાદ તા.18મીએ પોતે સાંજે આવી જશે તેવું પત્નિને કહ્યા પછી ગૂમ મોરબી : મોરબીમાં રહેતો યુવાન પાંચ દિવસ પહેલા ઘરેથી નીકળ્યા બાદ બીજા દિવસે પત્નિને ફોન કરી પોતે સાંજ સુધીમાં આવી જશે તેવું કહ્યા બાદ તે ગૂમ થઇ ગયો હતો. દરમિયાન આજે આ યુવાનની કોહવાયેલી ફુલાયેલી લાશ રતનપર રોડ પર આવેલી અવાવરૂ ઓરડીમાંથી મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મૃતકે આપઘાત કર્યો કે અન્ય કંઇ બન્યુ઼? મોતનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે.અકિલા દૈનિકના અહેવાલ મુજબ મોરબીમાં રહેતા મનોજભાઇ ગોરધનભાઇ દેસાઇ (ઉ.37) નામના યુવાન ગત તા.17મીએ ઘરેથી રાંદલ માતાજીના પ્રસંગમાં બહાર જાય છે તેમ કહીને નીકળ્યા હતા. એ પછી તા.18મીએ પત્નિએ ફોન કરતાં પોતે સાંજ સુધીમાં આવી જશે તેમ કહ્યું હતું. પરંતુ ત્યારબાદ તેનો ફોન પર સંપર્ક ન થતાં પરિવારજનોએ આકુળ વ્યાકુળ થઇ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો. દરમિયાન ગઇકાલે પાંચમા દિવસે તેમની લાશ રતનપર રોડ પર આવેલી અવાવરૂ ઓરડીમાંથી મળી હતી.કોઇ રાહદારી આ સ્થળેથી નીકળતાં અત્યંત દૂર્ગંધ આવતી હોઇ તપાસ કરતાં ફુલાયેલી માનવ લાશ જોવા મળતાં પોલીસને જાણ કરતાં પોલીસ દોડી ગઇ હતી. તપાસ થતાં આ મૃતદેહ ગૂમ થયેલા મનોજભાઇ દેસાઇનો હોવાનું સ્પષ્ટ થયું હતું. આ કિસ્સામા મૃતકે આત્મહત્યા કરી કે પછી અન્ય કોઇ રીતે મોત થયું? તે જાણવા મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.મૃત્યુ પામનાર મનોજભાઇ સિરામીક કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા અને સંતાનમાં એક પુત્ર હોવાનું તેમજ પોતે બે બહેનના એકને એક નાના ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હોવાનું જાણવા મળ્યું છે.