હળવદ : વન વિભાગ હસ્તકની રાતકડી નર્સરી ખાતે પોલિટેકનિક ઈન એગ્રિકલ્ચર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, હળવદ અને સામાજિક વનીકરણ વિભાગ-હળવદના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક અને પર્યાવરણ સંરક્ષણ થીમ આધારિત એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આજે તારીખ 21 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કેમ્પમાં પોલિટેકનિકના આચાર્ય ડો. એ.વી. ખાનપરા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર- હળવદ મનીષાબેન જાંબુચા, પોલિટેકનિક અને વનવિભાગ હળવદનો સ્ટાફ અને 55 જેટલા વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ જોડાયા હતા. કેમ્પમાં પર્યાવરણના મુખ્ય ઘટકો અને તેની જાળવણી, પર્યાવરણ સંરક્ષણની આવનારી પેઢી પર થતી સકારાત્મક અસરો અને ઈકો ફ્રેન્ડલી લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ જેવા મુખ્ય મુદ્દાઓ પર વિવિધ વ્યાખ્યાન અને ડિબેટ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને નર્સરીના વિવિધ ઔષધિય અને વનીય છોડો વિષે વિસ્તૃત માહિતી વન વિભાગના સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સૌએ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા પ્રતિજ્ઞા લીધી હતી.