અઢી વર્ષમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી અને કરવા દીધો પણ નથી, જિલ્લા પંચાયત તરફથી મળતી કારમાં ડીઝલ ઘરના પૈસે પુરાવ્યુ, માનદવેતન પણ અઢી વર્ષમાં એક પણ વાર લીધું નથી : ચંદુભાઈએ કરી દિલની વાતહળવદ : મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રહેલ હળવદના ચંદુભાઈ શિહોરાની ટર્મ સોમવારે પૂર્ણ થાય છે અને નવા પ્રમુખ ચાર્જ સંભાળવાના છે. ત્યારે ચંદુભાઈએ અઢી વર્ષ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રહી મોરબી જિલ્લાની સેવા કરવાનો મોકો મળ્યો તે માટે જિલ્લાના લોકો તેમજ પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો.ચંદુભાઈએ જણાવ્યું હતું કે આજથી અઢી વર્ષ પહેલા જ્યારે મને અમારી પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ પદે નિયુક્તિ કરી હતી ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે મારા અઢી વર્ષના શાસનમાં મને કે મારી પાર્ટીને કયારેય પણ દાગ ન લાગે અને હંમેશા લોકોના હિતમાં જ કામ થાય. તે દિશામાં અઢી વર્ષ પારદર્શક વહીવટ કરી જિલ્લા પંચાયત ચલાવી છે.અઢી વર્ષમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી કે કરવા દીધો પણ નથી. મેં ખુદ જિલ્લા પંચાયત તરફથી મળતી કારમાં ડીઝલ મારા ઘરના પૈસે પુરાવ્યુ છે.જિલ્લા પંચાયત પ્રમુખને મળતું માનદવેતન પણ મેં અઢી વર્ષમાં એક પણ વાર લીધું નથી.જિલ્લામાં વિકાસના 2200 લાખથી વધુના કામો કરવામાં આવ્યા છે.પ્રધાનમંત્રી સડક યોજનામાં 290 કરોડના ખર્ચે વિવિધ રોડના કામો કરવામાં આવ્યા છે અને હજુ ઘણા થઈ પણ રહ્યા છે.મને એ વાતનો સંતોષ છે કે અગાઉ કોઈને કોઈ વિવાદોના કારણે લોક ઉપયોગી વિકાસના કામો ખોરંભે ચઢતા હતા.પણ અમારા અઢી વર્ષના શાસનમાં એક પણ કામ ખોરભે નથી ચડ્યું અમારા દ્વારા સૂચવેલા તમામ કામો થયા છે એનો આનંદ છે.હું એક નાના એવા હળવદ તાલુકાના કેદારીયા ગામમાંથી આવું છું આજે પણ હું મારા ગામમાં જ રહું છું અમારા ગામની વસ્તી 1200 થી 1300 ની છે આજે પણ અમારા પરિવારનું ગુજરાન ખેતીવાડી થકી ચાલે છે.જિલ્લા પંચાયતમાંથી જ્યારે પણ સમય મળે ત્યારે ચોક્કસ વાડીએ કામ કરવા પણ જવાનું થતું હોય છે.તમે કોઈપણ કામને બોજા રૂપ નહીં પરંતુ એ કામનો આનંદ લઈને કામ કરો તો વિશેષ સંતોષ થતો હોય છે.અઢી વર્ષના શાસનમાં જિલ્લા પંચાયતના તમામ સદસ્ય તેમજ સંગઠનના હોદ્દેદારોનો ખૂબ સહકાર રહ્યો જેનો હું આભાર વ્યક્ત કરું છું. વધુમાં ચંદુભાઈ જણાવ્યું હતું કે હું જિલ્લા પંચાયત પ્રમુખ બન્યો ત્યાર બાદ ત્રણ વખત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળવાનો મોકો મળ્યો હતો જેમાં વડાપ્રધાન પ્રથમ તો મોરબી જિલ્લાના સમાચાર પૂછે સાથે જ તેઓને મળીએ ત્યારે એક કામ કરવાની નવી ઉર્જાનો સંચાર થતો જેના થકી જ અમે મોરબી જિલ્લામાં વિવિધ વિકાસના કામો કરી શક્યા છીએ.