જૈનો પર્યુષણ પર્વમાં આકરી તપસ્યા અને કઠોર ઉપવાસ કરશે મોરબી : આજથી જૈન સમાજના પરવિત્ર તહેવાર પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. ત્યારે મોરબીમાં આવેલા તમામ જૈન દેરાસરોમાં દસ દિવસ સુધી ભક્તિસભર કાર્યક્રમો યોજાશે અને જૈન સમાજના તમામ લોકો ભગવાન મહાવીર સ્વામીની ભક્તિમાં એકાકાર થઈ ગયા છે. જૈનો પર્યુષણ પર્વમાં આકરી તપસ્યા અને કઠોર ઉપવાસ શરૂ કર્યા છે.મોરબીના દરબારગઢમાં આવેલ 500 વર્ષ પુરાણુ રક્ષિત સ્મારકમાં સમાવિષ્ટ છે. જ્યારે સાવસર પ્લોટમાં આવેલ પ્લોટ દેરાસર, રિલીફનગર, વર્ધમાનનગર, સુમતીનાથ નગર, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલા જૈન દેરાસરો પર્યુષણ પર્વમાં એકદમ ભક્તિમય બની જશે. આ જૈન દેરાસરોમાં જુદા જુદા ભક્તિસભર કાર્યક્રમો થશે. જેમાં સવારે 5થી 6-30 સુધી પ્રતિક્રમણ, ભકતામર સમૂહ પાઠ, ભગવાન મહાવીર સ્વામીને અભિષેક એટલે પક્ષાલ, પૂજા, પ્રવચન, ફરી સાંજે પ્રતિક્રમણ અને રાત્રે રિલીફનગરના દેરાસરમાં ખાસ ભાવેશ દોશીની ટીમ દ્વારા ભક્તિ ભાવના, આઠ દિવસ સુધી સાધુ જીવન એટલે સમૂહ પોષધ વ્રત કરશે, આવતીકાલે પર્યુષણ પર્વથી ઘણા બધા લોકો આઠ દિવસ સુધી સાધુ જેવું જીવન જીવી કઠોર ઉપાસના કરશે. આ ઉપરાંત ભગવાન મહાવીર સ્વામીને દરરોજ જુદાજુદા આંગી એટલે શણગાર કરવામાં આવશે, કલ્પસૂત્ર વાંચન, મહાવીર જન્મ વાંચન એટલે ભગવાન મહાવીર સ્વામીના માતા ત્રિશાલા માતાને આવેલા 14 સ્વપ્નનું વાંચન, સંવત્સરી અને પારના બાદ શોભાયાત્રા કાઢવામાં આવશે. આમ દસ દિવસ સુધી પર્યુષણ પર્વની ઉજવણી થશે.