એસટીમાં ભારે ભીડ, બહારગામ જન્માષ્ટમી મનાવવા માટે લોકોએ ભારે ધસારો કરતા એસટી ભરચકકમોરબી : મોરબીની બજારોમાં આજે શીતળા સાતમથી જન્માષ્ટમીનું મીની વેકેશન પડી ગયું હોવાથી બજારોમાં રજાનો માહોલ છવાયો છે. તેથી હવે બજારોમાં ભીડ નહિ પણ મેળામાં ભીડ જોવા મળતા આજથી જન્માષ્ટમીનો ફેસ્ટિવલ ફીવર છવાયો હતો અને મેળામાં માનવ મહેરામણ હિલોળે ચડ્યો છે. જ્યારે એસટીમાં હવે ભારે ભીડ જોવા મળી હતી અને બહારગામ જન્માષ્ટમી મનાવવા માટે લોકોએ ભારે ધસારો કરતા એસટી ભરચકક થઈ ગઈ છે.મોરબીની બજારોમાં ગઈકાલે રાંધણછઠે ભારે ભીડ જોવા મળી હતી. લોકોએ મીઠાઈ, ફરસાણ , કપડા, સોના ચાંદીના ઘરેણાં સહિતની મન મુકીને ખરીદી કરી હતી. ત્યારે હવે બજારોમાં વેપારીઓએ રજા રાખતા માનવ મેદની મેળામાં ઉમટી પડી છે. નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવતું નથી. તેથી મોરબીવાસીની વ્હારે યંગ ઇન્ડિયા ગ્રુપ આવીને એક નહિ પણ શહેરમાં બે બે જગ્યાએ જન્માષ્ટમીના મેળાનું આયોજન કર્યું છે. જેમાં એક શનાળા બાયપાસ પાસે કામધેનુ પાર્ટી પ્લોટ નજીક અને બીજા સામાકાંઠા વિસ્તાર માટે પરશુરામ પોટરી ખાતે મેળા શરૂ કરતાં વિનામૂલ્યે એન્ટ્રી હોવાથી લોકોએ આ બન્ને મેળાનો ભરપૂર આનંદ ઉઠાવ્યો છે. આ ઉપરાંત શનાળા પાસે, મહેન્દ્રનગર પાસે પણ મેળામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આજે શીતળા સાતમે મેળા જનમેદની ઉમટી પડી હતી અને કાલે જન્માષ્ટમીએ આ મેળાની ખરી રંગત જામશે. બીજી તરફ શહેરના નવા અને જૂના બસ સ્ટેન્ડમાં આજે ભારેખમ ટ્રાફિક જોવા મળ્યો હતો. છેલ્લા બેથી ત્રણ દિવસમાં એસટીની સતત આવક વધી છે. ગઈકાલે એસટીને રૂ.5.40 લાખ, તા.4ના રોજ રૂ.5.30 લાખ, તા.3ના રોજ રૂ 4.27 અને તા.2ના રોજ રૂ.4.19 લાખની આવક થઈ હતી. બે ત્રણ દિવસથી એસટીની રૂટિન આવક કરતા 50થી 60 હજારની આવક વધી છે. મોરબી રાજકોટ વચ્ચે રોજ આવન જાવનની 100 ટ્રીપ દોડે છે. એટલે સૌથી વધુ રાજકોટ, જામનગર અને દાહોદ-પંચમહાલ બાજુની બસોમાં ધરખમ ટ્રાફિક જોવા મળે છે. આ અંગે ડેપો મેનજર પઢારિયાએ જણાવ્યું હતું કે, જ્યાં જરૂર જન્ય તે રૂટ ઉપર વધારાની બસો દોડાવવામાં આવશે. લોકો અને વેપારીઓ ધંધા બંધ રાખી જન્માષ્ટમીનું મીની વેકેશન માણવા બહારગામ ઉપડી ગયા છે