હળવદ તાલુકાના રાયધ્રા ગામે બે ખુટિયાઓ વચ્ચે યુદ્ધ થયા બાદ એક ખુટિયો મકાનના ધાબા ઉપર ચડી ગયો : ખુટિયાને હેઠો ઉતારવા ગ્રામજનોની મથામણહળવદ : હળવદ તાલુકાના રાયધ્રા ગામે ખુટિયાએ આજે ભારે કરી હતી. એક તો બે ખુટિયાઓએ યુદ્ધ કરીને લોકોને ભયભીત કરી દીધા હતા. ઉપરથી એક ખુટિયો મકાનના ધાબા ઉપર ચડી જતા આજે શીતળા સાતમના તહેવારો ગામલોકોને ખુટિયાને હેઠો ઉતારવા જબરી મથામણ કરવી પડી છે.હળવદ તાલુકાના રાયધ્રા ગામે બે ખુટિયાઓ અચાનક ભૂરાટા થઈને દંગલ મચાવ્યું હતું. બન્ને ખુટિયાઓએ ખાસ્સો સમય સુધી યુદ્ધ કર્યા બાદ એક ખુટિયો થોડો નબળો પડ્યો હતો. આ ખુટિયાએ સામે પક્ષે આક્રમણ કરીને ઘસી આવેલા ખુટિયાના મારથી બચવા મેદાન છોડી દીધું હતું અને આ ખુટિયો એક મકાનના ધાબા ઉપર ચડી બેઠો હતો. આથી ગામલોકો પણ હી... હો... કરીને કુંડાળે વળ્યાં હતા. પણ મકાનના ધાબા ઉપર ચડી ગયેલા ખુટિયાને નીચે ઉતારવાના ગામલોકોના લાખ પ્રયાસ છતાં હેઠો ન ઉતરતા ગામલોકો મુંઝવણમાં મુકાય ગયા છે. પણ ગામલોકો અને યુવાનોએ હાલ ખુટિયાને નીચે ઉતારવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે.