રેતમાફિયાએ પેટ્રોલપંપ સંચાલકના પગ ભાંગી નાખ્યા, ભડાકે દેવાની ધમકી 

- text


વઘાસીયા ટોલનાકા પાસે પેટ્રોલપંપ નજીક રેતીના ઢગલા કરનાર શખ્સ વિરુદ્ધ કલેક્ટરમાં ફરિયાદ કરનાર પેટ્રોલપંપ સંચાલક ઉપર ત્રણ શખ્સોનો હુમલો 

વાંકાનેર : મોરબી જિલ્લામાં રેતમાફિયા અને ખનીજચોરો બેફામ બન્યા છે ત્યારે મોરબી -વાંકાનેર હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકા પાસે આવેલ પેટ્રોલપંપ નજીક રેતમાફિયાઓ રેતીના ઢગલા કરતા હોય આ બાબતે જિલ્લા કલેકટર સમક્ષ ફરિયાદ કરનાર પેટ્રોલપંપ સંચાલક ઉપર હુમલો કરી ત્રણ શખ્સોએ પગ ભાંગી નાખ્યા બાદ ભડાકે દેવાની ધમકી આપતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

આ ચોંકાવનારા બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, મોટા મવા મેઇન રોડ ઉપર કોસ્મો પ્રાઇડ બિલ્ડિંગમાં રહેતા અને વધાસીયા ટોલનાકા નજીક પેટ્રોલપમ્પ ધરાવતા અમીતભાઇ જંયતીલાલ માંકડીયાના પેટ્રોલપમ્પ પાસે સરકારી ખરાબાની જગ્યામાં આરોપી મનદીપસિંહ ઝાલા, જાબુડીયા અશ્વમેઘ હોટલ વાળા રેતીના ઢગલા કરી દબાણ કરતા હોવાથી આ બાબતે અમિતભાઈએ જિલ્લા કલેકટર મોરબી તેમજ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યને અગાઉ ફરિયાદ કરી હોય આરોપી મનદીપસિંહ ઝાલા આ બાબતનો ખાર રાખી અજાણ્યા બે માણસો સાથે ધસી આવ્યો હતો અને અમિતભાઈની ટોયટા ગ્લાન્ઝા કારના કાચ ફોડી નાખી કુંડલી વાળી લાકડી વડે હુમલો કર્યો હતો. બાદમાં આરોપી મનદિપસિંહ સાથે રહેલા બે અજાણ્યા માણસોએ અમિતભાઈને પકડી રાખતા આરોપી મનદીપસિંહે અમિતભાઈના પગના નળામાં લાકડીઓ ઝીકી ફ્રેક્ચર કરી નાખી ભડાકે દઈ જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ત્રણ ઈસમો વિરુદ્ધ અમિતભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text