રાંધણછઠે બજારોમાં ખરીદી માટે ભીડ જામી, કરીયાણાં અને મીઠાઈ ફરસાણની દુકાનોમાં ચિક્કાર ભીડમોરબી : મોરબીની બજારોમાં જન્માષ્ટમીના તહેવારોની રોનક દેખાઈ હતી. બજારોમાં આજે રાંધણછઠે બજારોમાં ખરીદી માટે ભીડ જામી છે. કરીયાણાં અને મીઠાઈ ફરસાણની દુકાનોમાં ચિક્કાર ભીડ જોવા મળી છે. બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળતા વેપારીઓના ચહેરા પણ હરખાઈ ઉઠ્યા છે.મોરબીમાં જન્માષ્ટમીના તહેવારો શરૂ થતાં બજારોમાં ધીરેધીરે ખરીદી જામી રહી છે. તેમાંય આજે રાંધણછઠના દિવસે ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. આજે સવારથી બજારોમાં ભીડ જોવા મળી રહી છે. બજાર વિસ્તારોમાં નહેરુ ગેઇટ ચોક, પરાબજાર, શાકમાર્કેટ, લોહાણાપરા, ગ્રીન ચોક, સોની બજાર, ગેસ્ટ હાઉસ રોડ, રવાપર અને શનાળા રોડ જુના બસ સ્ટેન્ડ રોડ, નવા ડેલા રોડ, તખ્તસિહજી રોડ સહિતની બજારોમાં ભારે ભીડ જોવા મળી છે. ખાસ કરીને આજે રાંધણછઠે દરેક ઘરે થેપલા, પુરી, ચણા અને મેંદાના લોટની આઈટમો બનાવવાની પરંપરા હોવાથી લોકો ચણાનો લોટ, તેલ સહિતની વસ્તુઓની ખરીદી માટે બજારોની તમામ કરીયાણાની દુકાનોમાં લોકો ઉમટી પડ્યા હતા. તેમજ હવે લાડુ, મીઠાઈ અને ગાંઠિયા, પાપડી સહિતના તૈયાર ફરસાણની ખરીદી થતી હોય સવારથી જ લોકો શહેરની તમામ મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ઉમટી પડ્યા હતા અને આજે દિવસભર આ ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ભારે ભીડ રહેશે.આ ઉપરાંત કપડાંની પણ ખરીદી થઈ હતી. તેમજ સોના ચાંદીની વસ્તુઓની પણ ખરીદી થઈ હતી. આજે તહેવારોની ખરીદીનો છેલ્લો દિવસ હોય લોકોએ મોટાભાગની ચીજવસ્તુઓની મન મુકીને ખરીદી કરી હતી અને મોજીલા મોરબીવાસીઓને તહેવારોની ઉજવણીમાં મોંઘવારીનો માર નડ્યો નથી.